લલિત મોદી બ્રિટનનું નાગરિકત્વ મેળવશે

Wednesday 24th June 2015 07:05 EDT
 

દિલ્હીઃ આઈપીએલમાં અબજો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપી પૂર્વ કમિશનર લલિત મોદી બ્રિટનની નાગરિકતા મેળવવા પ્રયાસો કરી રહ્યા છે. સુરક્ષાનાં કારણોસર વર્ષ ૨૦૧૦થી લંડનના પોશ વિસ્તાર ચેલ્સિયાના આલીશાન મકાનમાં રહેતા લલિત મોદીએ સંકેત આપ્યો છે કે, તે બ્રિટનનું નાગરિકત્વ મેળવવા પ્રયત્ન કરશે, જો નાગરિકત્વ મેળવવામાં સફળ થશે તો વિઝા વગર વિશ્વના ૧૭૦ દેશોમાં કોઈ પણ અવરોધ વિના જઇ શકશે. બ્રિટનના કાયદા પ્રમાણે જો કોઇ વિદેશી નાગરિક બિઝનેસમેન તરીકે બે લાખ પાઉન્ડનું રોકાણ કરે અને તેની કંપનીમાં ૧૦થી વધુ કર્મચારીનો સ્ટાફ હોય તો તેને નાગરિકતા આપવા બ્રિટિશ સરકાર વિચારી શકે છે. માનવામાં આવે છે કે મોદીએ બ્રિટનના સ્ટોક માર્કેટમાં એક મિલિયન પાઉન્ડ કરતાં વધુનું રોકાણ કર્યું છે, જો તે નાગરિકત્વ મેળવશે તો ધરપકડ કરવી મુશ્કેલ બનશે. ભારતમાં મોદી સરકાર લલિત મોદીની ધરપકડ માટે તૈયારી કરી રહી છે.

બીજી તરફ લલિત મોદી વિવાદમાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજે બાદ હવે મુંબઈના પોલીસ કમિશનર રાકેશ મારિયા પણ ફસાયા છે. ગયા વર્ષે જુલાઈમાં મારિયાએ મોદી સાથે લંડનમાં મુલાકાત કરી હતી. તે મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમને એક દિવસની અંદર સ્પષ્ટતા કરવા કહ્યું છે. પ્રકરણ સામે આવ્યા બાદ ફડણવીસે ખુલાસો માગ્યો છે. ફડણવીસે કહ્યું હતું કે, મારિયાએ મીડિયાને કહ્યું છે, તેના વિશે અમે તેમને સત્તાવાર રીતે જાણકારી આપવા કહ્યું છે. એક દિવસમાં તેઓ જાણકારી આપશે ત્યારે અમે નક્કી કરીશું કે શું કાર્યવાહી કરવામાં આવે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter