લલિત મોદીને મદદ કરવામાં સુષ્મા સ્વરાજ ભરાયા

Wednesday 17th June 2015 06:21 EDT
 

નવી દિલ્હી:વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ દ્વારા આઇપીએલના ભાગેડુ ચેરમેન લલિત મોદીને મદદ કરવામાં આવી હોવાના મુદ્દો ઉછાળીને કેટલાક વિરોધ પક્ષોએ સરકાર ઉપર જબરદસ્ત ભીંસ વધારી છે. પરંતુ ભાજપના સાથી પક્ષો સ્વરાજનો બચાવ કરી રહ્યા છે. મની લોન્ડરિંગ કેસોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસનો સામનો કરી રહેલા લલિત મોદીને બ્રિટિશ ટ્રાવેલ દસ્તાવેજો મેળવવામાં મદદ કરી હોવાની કેન્દ્રીય સુષમા સ્વરાજે કબૂલાત કરતાં રાજકીય ઝંઝાવાત સર્જાયો હતો. બ્રિટનનાં અખબાર સન્ડે ટાઇમ્સના અહેવાલમાં દાવો કરાયો હતો કે લલિત મોદીના પ્રવાસના દસ્તાવેજો મંજૂર કરવા બ્રિટનના ટોચના ઇમિગ્રેશન અધિકારી પર દબાણ લાવવા ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ કીથ વાઝે સુષમાનાં નામનો ઉપયોગ કર્યો હતો.

વિવાદમાં ઘેરાયેલાં સ્વરાજે સ્પષ્ટતા કરતાં શ્રેણીબદ્ધ ટ્વિટ્સ કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે લલિત મોદીની કેન્સરથી પીડાતી પત્નીનું ઓપરેશન હોવાને કારણે મેં માનવીય આધારે જ મદદ કરી હતી. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ સવાલ કર્યો હતો કે આવતીકાલે દાઉદ ઇબ્રાહીમ માનવીય આધારે મદદ માગશે તો તેને પણ મોદી સરકાર મદદ કરશે? 

એર ઇન્ડિયાની લંડનની ફ્લાઇટનાં લંચપેકમાંથી ગરોળી નીકળીઃ ગત સપ્તાહે દિલ્હીથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પીરસાયેલાં લંચ પેકેટમાંથી ગરોળી નીકળવાની ઘટના બની હતી. મીડિયા અહેવાલ મુજબ, દિલ્હીથી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ ૧૧૧ના મુસાફરોને દિવસના એક વાગ્યે ભોજન પીરસાયું હતું. જેમાં એક મુસાફરે વિશેષ ભોજનની માગ કરી હતી. જોકે લંચના પેકેટમાં જ્યારે તેણે ખોલ્યું ત્યારે તેમાં રહેલી ગરોળીને જોઈને તે દંગ રહી ગયો હતો. આ મુસાફરે આ ઘટનાની ફરિયાદ એર ઇન્ડિયાને કરી છે. જોકે, કંપનીએ આ મામલે કોઈ સ્પષ્ટીકરણ આપ્યું નથી.

હું સાચો મુસલમાન, સાક્ષી મહારાજઃભાજપ સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે, ‘મારા હિસાબે જેનામાં ઇમાન હોય છે તે જ સાચો મુસલમાન છે. આવી રીતે હું પણ સાચો મુસલમાન છું. કારણ કે મારામાં ઇમાન છે. કાયમ વિવાદાસ્પદ નિવેદનો પણ પંકાયેલા સાક્ષી મહારાજે એક ખાનગી ટીવી ચેનલ પર ચાલેલી ચર્ચા દરમિયાન કહ્યું કે, ‘ઇસ્લામમાં સૌથી મોટું નામ મુહમ્મદ સાહેબનું છે. મારી નજરમાં મુહમ્મદ સાહેબ સૌથી મોટા યોગી હતા.’ 

અમેરિકામાં ભારતીય કંપનીઓ સામે તપાસઃ અમેરિકાએ એચ-૧બી વિઝાના નિયમોનો ભંગ કરવાના આરોપ અંગે ભારતીય આઇટી કંપનીઓ - ટીસીએસ અને ઇન્ફોસિસ સામે તપાસ શરૂ કરી છે. જોકે, ભારતીય સોફ્ટવેર કંપનીઓના મુખ્ય સંગઠન નાસ્કોમે આ આરોપો નકારી કાઢ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter