બેંગલુરુઃ કર્ણાટકમાં દસ દિવસીય રાજકીય નાટકનો ૨૩મીએ અંત આવ્યો છે. બહુમત સાબિત ન કરી શકતા કોંગ્રેસની કુમારસ્વામી સરકાર ભાંગી પડી છે. વિશ્વાસ મત માટે સ્પીકર રમેશ કુમારે ૨૩મીની સાંજની ડેડલાઇન આપી હતી. કુમારસ્વામીએ વોટિંગ પહેલા ભાવુક ભાષણ આપીને રાજીનામું આપી દેવાનું કહ્યું હતું. એ પછી વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ બાદ ફ્લોર ટેસ્ટમાં વોટિંગ કરાવવામાં આવ્યું હતું. વોટિંગમાં વિશ્વાસ મતના પક્ષમાં ૯૯ અને વિરુદ્ધમાં ૧૦૫ મત પડ્યા હતા. આ રીતે કુમારસ્વામીની વિરુદ્ધ બહુમત વોટિંગ થતા સરકાર પડી ભાંગી છે. ફ્લોર ટેસ્ટ બાદ ગવર્નરને રાજીનામું આપ્યું હતું. ભાજપ આ પરિસ્થિતિનો લાભ લઇને સરકાર બનાવી શકે છે અને યેદીયુરપ્પા સરકાર રચવા માટે દાવો કરવાની તૈયારીમાં હોવાનું પણ સ્પષ્ટ થયું હતું.
ફ્લોર ટેસ્ટમાં હાર મળ્યા બાદ કુમારસ્વામીએ ગવર્નર વજુભાઇ વાળાને રાજીનામું આપ્યું હતું. વજુભાઇએ રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. જ્યાં સુધી બીજી વ્યવસ્થા ન થઇ જાય ત્યાં સુધી કુમારસ્વામી કેરટેકર મુખ્ય પ્રધાન રહેશે.
‘નવા યુગનો પ્રારંભ થશે’
ફ્લોર ટેસ્ટ બાદ યેદીયુરપ્પાએ કહ્યું હતું કે, આ લોકતંત્રની જીત છે. કુમારસ્વામી સરકારથી લોકો ત્રાસી ગયા હતા. હું કર્ણાટકની જનતાને વિશ્વાસ આપું છું કે હવે વિકાસના નવા યુગનો પ્રારંભ થશે. કર્ણાટકમાં પહેલી જુલાઈથી રાજકીય સંકટની શરૂઆત થઈ હતી. અસંતુષ્ટ ધારાસભ્યોના રાજીનામાનો દોર શરૂ થયો. કુમારસ્વામીના ૧૧૬ ધારાસભ્યોના સમર્થનથી ૧૪ મહિના સુધી જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકાર ચલાવી, પણ પહેલી જુલાઇએ બે ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું. એ પછી રાજીનામાની સંખ્યા ધીરે ધીરે વધીને ૧૫ થઇ ગઇ. બે અન્ય અપક્ષ ધારાસભ્યોએ પણ સરકારથી સમર્થન પાછું ખેંચી લીધું.
અસંતુષ્ટ ધારાસભ્યોના ધડાધડ રાજીનામા પછી આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો હતો. કોંગ્રેસ જેડીએસે ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવ્યો હતો. રાજીનામાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને કોર્ટે સ્પીકરને તેના પર તાત્કાલિક નિર્ણય કરવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે સ્પીકરે વિશ્વાસ મત સાબિત કરવા માટે ૧૮ જુલાઇની તારીખ નક્કી કરી હતી.
ચાર દિવસ ચર્ચા
૧૮, ૧૯, ૨૨ અને ૨૩ જુલાઈ ચાર દિવસ સતત વિશ્વાસ મત પર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપે સત્તાપક્ષ પર આરોપ લગાવ્યો હતો કે લાંબા ભાષણ આપીને ફ્લોર ટેસ્ટને સરકાર ટાળવા માગે છે. રાજ્યપાલે બે વખત ડેડલાઇન આપી હતી, પરંતુ ફ્લોર ટેસ્ટ થઇ શક્યો જ નહીં. એ પછી સ્પીકરે મંગળવારે સાંજે ૬ વાગ્યાની ડેડલાઇન નક્કી કરી હતી, પરંતુ નિર્ધારિત સમયમાં ફ્લોર ટેસ્ટ થયો નહીં. જોકે એ પછી બે કલાક પછી કુમારસ્વામી ફ્લોર ટેસ્ટમાં પરાજિત થયા હતા.
કોંગ્રેસના ૧૩ અને જેડીએસના ૩ ધારાસભ્યોના રાજીનામા
ઉમેશ કામતલ્લી, બી સી પાટિલ, રમેશ જારકિહોલી, શિવારામ હેબ્બર, એચ વિશ્વનાથ, ગોપાલૈયા, બી બસ્વરાજ, નારાયણ ગૌડા, મુનિરત્ના, એસ ટી સોમાશેખરા, પ્રતાપ ગૌડા પાટિલ, મુનિરત્ના અને આનંદ સિંહ રાજીનામું આપી ચૂક્યા છે તો બીજીતરફ કોંગ્રેસના બરખાસ્ત ધારાસભ્ય રોશન બેગે પણ રાજીનામું આપી દીધું છે. ૧૦ જૂને કે સુધાકર અને એમટીબી નાગરાજે રાજીનામું આપ્યું હતું. બે અન્ય પક્ષીય ધારાસભ્યોએ પણ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું.
બસપા ધારાસભ્ય બરખાસ્ત
બીએસપી પ્રમુખ માયાવતીએ ધારાસભ્ય એન. મહેશને ફ્લોર ટેસ્ટમાં ભાગ ન લેવાના કારણે પાર્ટીમાંથી બરખાસ્ત કરી દીધા છે. હકીકતમાં ધારાસભ્યને કુમારસ્વામીના પક્ષમાં વોટ કરવાના નિર્દેશ અપાયા હતા.