લાજવાબ વહીદા રહેમાનને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર

Wednesday 04th October 2023 06:37 EDT
 
 

હિન્દી સિનેમાના ઈતિહાસમાં અમીટ છાપ છોડનારાં અભિનેત્રી વહીદા રહેમાને તેમના નામને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. વહીદાનો અર્થ થાય છે લાજવાબ. અને તેમને હિન્દી ફિલ્મઉદ્યોગમાં પ્રશંસનીય કામ કરવા આ વર્ષે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત થઇ છે. બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોથી માંડીને કલર ફિલ્મો સુધી અનેક યાદગાર રોલ કરનારાં વહીદા રહેમાનને ગુરુદત્તની શોધ માનવામાં આવે છે. ગુરુદત્ત અને વહીદા રહેમાનની પહેલી મુલાકાતનો સંયોગ એક ભેંસના કારણે સર્જાયો હતો. ગુરુદત્તની કાર સાથે ભેંસ અથડાઇ ન હોત તો તેમની અને વહીદાની મુલાકાત થાત નહીં. આ સંયોગ સર્જાયો અને તેમણે ગુરુદત્તના પ્રોડક્શન હાઉસથી કરિયર શરૂ કરી હતી. દેવ આનંદ સાથેની ફિલ્મ ‘સીઆઈડી’માં વહીદા રહેમાનને તક મળી હતી.
ફિલ્મી વર્તુળોમાં આ મુલાકાતનો કિસ્સો ખૂબ ચર્ચામાં રહ્યો છે. તે મુજબ, સાઉથના એક ડિસ્ટ્રીબ્યુટરે ગુરુદત્તને તમિલ ફિલ્મ ‘મિસ અમ્મા’ જોવા માટે બોલાવ્યા હતા. આ ફિલ્મ હિન્દીમાં બને તેવી ડિસ્ટ્રીબ્યુટરની ઈચ્છા હતી. ગુરુદત્તની સાથે રાઈટર અબરાર અલવી કારમાં હૈદરાબાદ જઈ રહ્યા હતા. ફિલ્મ જોઈને તરત પાછા ફરવાનો પ્લાન હતો. હૈદરાબાદ નજીક પહોંચતા કાર સાથે ભેંસ ટકરાઈ હતી. કારને ગેરેજમાં રીપેરિંગ માટે લઈ જવી પડી અને તેના રીપેરિંગમાં બે-ત્રણ દિવસ લાગી ગયા.
ગુરુદત્ત હૈદરાબાદમાં ફિલ્મ જોઈ લીધી અને બાદમાં ઘણો સમય ખાલી હતો. ડિસ્ટ્રિબ્યુટરની ઓફિસમાં તેઓ બેઠા હતા ત્યારે એક કારમાંથી સુંદર યુવતી ઉતરી હતી અને સામેની બિલ્ડિંગમાં ગઈ હતી. આ છોકરીએ તેલુગુ ફિલ્મમાં ડાન્સ કર્યો હતો અને તે ફિલ્મોમાં કામ શોધી રહી હતી. આ યુવતીને હિન્દી-ઊર્દૂ આવડે છે કે કેમ તેવું ગુરુદત્તે પૂછ્યુ હતું. જવાબ ‘હા’માં મળતા તરત જ તે યુવતી એટલે વહીદા રહેમાનને બોલાવી લેવાયાં. અડધો કલાકની મુલાકાતમાં ગુરુદત્ત તેમનાથી ઈમ્પ્રેસ થયાં નહીં. ડિસ્ટ્રિબ્યુટરને આ વાત સમજાઈ જતાં તેમણે નજીકના હોલમાં વહીદાએ ફિલ્મી પડદે કરેલો ડાન્સ બતાવવાનું આયોજન કર્યું હતું. મોટા પડદા પર વહીદાનો ડાન્સ જોઇ ગુરુદત્ત અને અબરાર અલવી ઇમ્પ્રેસ થયા, બે-ત્રણ દિવસ બાદ તેઓ પરત ફર્યા અને વહીદાની મુલાકાત સ્મરણ બનીને રહી ગઈ.
ત્રણ મહિના બાદ ગુરુદત્તના બેનર હેઠળ ‘સીઆઈડી’નું આયોજન શરૂ થયું. લીડ રોલમાં દેવ આનંદ નક્કી હતા, પરંતુ તેમની સાથે અભિનેત્રી કોને લેવી તેની અસમંજસ હતી. ગુરુદત્તે પોતાના આસિસ્ટન્ટને તાબડતોબ હૈદરાબાદ મોકલ્યા. વહીદાનો સ્ક્રિન ટેસ્ટ લેવાયો અને આ સાથે જ તેમની કરિયર શરૂ થઈ. 1956માં ‘સીઆઈડી’ ફિલ્મમાં તેમનો રોલ નેગેટિવ હતો. ત્યારબાદ ગુરુદત્ત અને વહીદા રહેમાને ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’, ‘ચૌદહવી કા ચાંદ’, ‘સાહિબ બીવી ઔર ગુલામ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું. વહીદા રહેમાને ગુરુદત્ત અને દેવ આનંદ ઉપરાંત રાજ કપૂર, રાજ કુમાર, મનોજ કુમાર અને સુનીલ દત્ત જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરેલું છે. 1974માં તેમણે એક્ટર શશી રેખી સાથે લગ્ન કર્યા હતા. 2000ના વર્ષમાં પતિના નિધન બાદ તેમણે એક્ટિંગ ફરી શરૂ કરી હતી. વહીદાએ બીજી ઈનિંગમાં ‘દિલ્હી 6’, ‘રંગ દે બસંતી’, ‘વોટર’ જેવી ફિલ્મો કરી છે. 2021માં આવેલી મરાઠી ફિલ્મ ‘સ્કેટર ગર્લ’માં પણ તેમનો મહત્ત્વનો રોલ હતો.
આઠમા મહિલા
દાદાસાહેબ ફાળકે એવોર્ડ 1969થી આપવાનું શરૂ થયું ત્યારે સૌપ્રથમ તે એક મહિલા અભિનેત્રી દેવિકા રાણીને જ મળ્યો હતો. તે પછી અત્યાર સુધીમાં સાત નારીરત્નો આ એવોર્ડથી સન્માનિત થઇ ચૂક્યાં છે.તેમાં સુલોચના તરીકે જાણીતાં રુબી માયર્સ, કાનન દેવી, દુર્ગા ખોટે, લત્તા મંગેશકર, આશા ભોંસલે તથા આશા પારેખનો સમાવેશ થાય છે. હવે વહીદા રહેમાન આ સન્માન મેળવનારાં આઠમા મહિલા બન્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter