નવી દિલ્હીઃ દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડ મામલે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની સીબીઆઇએ ધરપકડ કરી છે. રવિવારે થયેલી આ ધરપકડને 48 કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ ‘આપ’ અને ભાજપ વચ્ચે શરૂ થયેલો આક્ષેપબાજીનો સિલસિલો અવિરત ચાલી રહ્યો છે. સિસોદિયાને સોમવારે સીબીઆઇ દ્વારા કોર્ટમાં રજુ કરાતાં તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. સીબીઆઇએ દાવો કર્યો હતો કે સિસોદિયાએ અત્યાર સુધી કરાયેલી પૂછપરછમાં યોગ્ય જવાબ ન આપ્યા હોવાથી તેમની કસ્ટડી જરૂરી છે.
સીબીઆઇએ દિલ્હીની કોર્ટમાં જણાવ્યું હતું કે સિસોદિયા પૂછપરછમાં સહકાર આપતા નથી, માટે તેમના 5 દિવસના રિમાન્ડ જોઈએ છીએ. સિસોદિયાના વકીલે રિમાન્ડનો વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે એક નાયબ મુખ્ય પ્રધાનને રિમાન્ડ પર મોકલવાથી એક ખોટો મેસેજ જશે. જોકે કોર્ટે સીબીઆઈની દલીલોને યોગ્ય માનતાં સિસોદિયાને 4 માર્ચ સુધી રિમાન્ડ પર મોકલી આપ્યા હતા.
બીજી તરફ, સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હી સહિત દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા, જેમાં અનેકની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. હાલ આ ધરપકડને લઇને ‘આપ’ અને ભાજપ આમનેસામને આવી ગયા છે. બન્ને પક્ષો એકમેક પર દોષારોપણ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે મનીષ સિસોદિયાની ધરપકડ અદાણીના મામલાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે કરવામાં આવી છે. ‘આપ’ના નેતા સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ પર પ્રહારો કરતા કહ્યું હતું કે સિસોદિયાની ધરપકડ એ ભાજપની તાનાશાહીના સંકેતો છે, ભાજપની કેન્દ્ર સરકારે અદાણીના મામલાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે સિસોદિયાની ધરપકડ કરાવી છે.
સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત ન મળી
મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટ તરફથી પણ રાહત નથી મળી. કોર્ટે તેમને હાઇ કોર્ટ જવાની સલાહ આપી હતી. દિલ્હીના ડેપ્યુટી મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડ વિરુદ્ધ કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી શરૂ કરી હતી. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે તમારે હાઈ કોર્ટ જવું જોઈતું હતું, તમે સીધા સુપ્રીમ કોર્ટમાંથી જામીન કેમ માગી રહ્યા છો? તમે કલમ 32 અંતર્ગત અહીં કેમ આવ્યા છો?
સિસોદિયા - જૈનના રાજીનામા
આ દરમિયાન મંગળવારે મનીષ સિસોદિયાએ કેજરીવાલ સરકારમાંથી રાજીનામું આપ્યું છે, જેનો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વીકાર કર્યો છે. કેજરીવાલ સરકારમાં 18 મંત્રાલય સંભાળતા સિસોદિયાએ કહ્યું હતું કે ન્યાય માટેની આ લડત હજુ ઘણી લાંબી ચાલવાની હોવાથી હું રાજીનામું આપી રહ્યો છું. સિસોદિયા ઉપરાંત આર્થિક ગેરરીતિના કેસમાં છેલ્લા નવ માસથી જેલમાં રહેલા સત્યેન્દ્ર જૈને પણ કેજરીવાલ સરકારમાંથી રાજીનામું આપ્યું છે, તેનો પણ સ્વીકાર કરાયો છે.
સિસોદિયા ‘આપ’માં બીજા નંબરના નેતા
કેજરીવાલ પછી મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટીમાં સૌથી મોટા નેતા છે. મનીષ સિસોદિયા પાસે દિલ્હી સરકારમાં કુલ 33માંથી 18 વિભાગ હતા. સિસોદિયાની ધરપકડ બાદ કેજરીવાલ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે સિસોદિયાની કામગીરી કોણ સંભાળશે. કેજરીવાલના અન્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પહેલાથી જ જેલમાં છે. જૈન પાસે આરોગ્ય, ઉદ્યોગો, વીજળી, ગૃહ, સિંચાઈ, પૂર નિયંત્રણ અને જળ સંસાધનોના વિભાગ હતા, જે સિસોદિયાને સોંપવામાં આવ્યા હતા. સિસોદિયા પાસે એજ્યુકેશન, પબ્લિક વર્ક્સ, ફાઈનાન્સ, એક્સાઈઝ જેવા મહત્વના વિભાગો હતા.
આઇએએસ અધિકારીએ આંગળી ચીંધી
લીકર પોલિસીમાં સીબીઆઇની પૂછપરછ દરમિયાન એક્સાઈઝ વિભાગના એક આઇએએસ અધિકારી દ્વારા સિસોદિયાનું નામ લેવામાં આવ્યું હતું. અધિકારીએ કહ્યું હતું કે સિસોદિયાએ એવી દારૂની નીતિ બનાવી હતી, જેનાથી સરકારને ફાયદો નથી થતો, પરંતુ વેપારીઓને મોટો ફાયદો થાય છે.
હવે કેસીઆરના પુત્રીની ધરપકડ થશે: ભાજપ
એક્સાઇઝ પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન સિસોદિયા બાદ હવે આ કેસમાં તેલંગાણાના મુખ્ય પ્રધાન કે.સી.આર.ના પુત્રી અને એલએસી કે કવિતાની પણ સીબીઆઇ દ્વારા ટૂંક સમયમાં ધરપકડ થઇ શકે છે. આ દાવો તેલંગણ પ્રદેશ ભાજપના નેતા વિવેક દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે કવિતાએ પંજાબ અને ગુજરાતની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીને 150 કરોડ રૂપિયા આપ્યા હતા. થોડા દિવસ પહેલા જ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ કવિતાનું નામ ચાર્જશીટમાં જોડયું છે. જેમાં દારૂની કંપનીમાં 65 ટકા ભાગીદારી રાખવાનો આરોપ તેમના પર લગાવવામાં આવ્યો છે.