નવી દિલ્હી
ભારતની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ લેબોરેટરીમાં માનવસર્જિત કિંમતી સ્ટોન તૈયાર કરતા એકમોને લોન આપવાની નીતિ તૈયાર કરી છે. આ સાથે એસીઆઇ દેશની આ પ્રકારની પ્રથમ બેન્ક બની છે. આ નીતિને કારણે લેબ ગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મોટો વેગ મળશે. જ્વેલર્સ ગુજરાતના સુરત ખાતે સિન્થેટિક ડાયમંડ્સ ઉત્પાદન માટે એકમો સ્થાપી રહ્યાં છે તેવા સમયે જ આ નીતિ તૈયાર કરાઇ છે. હીરા ઉદ્યોગના ઘણા મોટા એકમો મુંબઇથી સુરત સ્થળાંતર કરવાની યોજના બનાવી રહ્યાં છે. સુરત દાયકાઓથી ડાયમંડ કટર્સ અને પોલિશ કરનારાનું હબ બની રહ્યું છે.
એસબીઆઇએ આ નીતિમાં ચોક્કસ શરતો સામેલ કરી છે. એસબીઆઇના સૂત્રોના જણાવ્યા અનુસાર એકમોને મશીનરીની આયાત માટે લાંબાગાળાની લોન અપાશે. મુંબઇના બાન્દ્રા કુર્લા કોમ્પેલક્સાં આવેલી એસબીઆઇની ડાયમંડ બોર્સ બ્રાન્ચ અને સુરતમાં આવેલી એસબીઆઇની કોમર્શિયલ બ્રાન્ચની આ માટે પસંદગી કરાઇ છે.
એસબીઆઇની નવી નીતિની ઓપરેશનલ ગાઇડલાઇન્સમાં અપાયેલ ફંડની મર્યાદા સાથે નોન ફંડ લિમિટ નક્કી કરવી, વાર્ષિક વેચાણના ટકા તરીકે સિંગલ બાયર પરના આધારની ચકાસણી, એજન્સીઓ પાસેથી વિદેશી ખરીદદારોના બિઝનેસ ક્રેડિટ રિપોર્ટ મેળવવા અને ખરીદદારોની ઓડિટેડ બેલેન્સ શિટ્સ મેળવવા જેવી સ્ટાન્ડર્ડ પ્રુડેન્શિયલ પ્રેકટિસ સામેલ કરાઇ છે.
ભંડેરી લેબ ગ્રોન ડાયમંડ્સના સીઇઓ ડો. સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે, લેબ ગ્રોન ડાયમંડ્સ ઇકો ફ્રેન્ડલી છે અને કુદરતી સ્ટોનના વિકલ્પ તરીકે ઘણા સસ્તા પડે છે. આ ઇન્ડસ્ટ્રીનો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે. એસબીઆઇ તેને ઇમર્જિંગ બિઝનેસ માની રહી છે. એસબીઆઇનું આ પગલું ઇન્ડસ્ટ્રીને ઘણી સહાય કરશે. એક રિસર્ચ પ્રમાણે 70 ટકા યુવાઓ સમારોહ અને ઉજવણીઓ માટે લેબ ગ્રોન ડાયમંડ્સની પસંદગી કરી રહ્યાં છે.


