લેહઃ લદ્દાખની રાજધાની લેહમાં સંપૂર્ણ રાજ્યના દરજ્જાની માગ અને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માગને લઈ ચાલી રહેલા આંદોલનને ભડકાવવાના આરોપ હેઠળ પોલીસે સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડ કરી લીધી છે. લેહ પોલીસે શુક્રવારે વાંગચુકના ગામ ઉલ્યાક્ટોપોમાં યોજાનારી પ્રેસ કોન્ફરન્સ પહેલા આ કાર્યવાહી કરી હતી. એક દિવસ અગાઉ વાંગચુકે તેમની ધરપકડ અંગે આશંકા વ્યક્ત કરી હતી. હાલ તેમને જોધપુરની હાઈસિક્યુરિટી જેલમાં ખસેડવામાં આવ્યા છે.
વાંગચુક સામેના આરોપો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ લદ્દાખ વહીવટીતંત્રના સૂત્રોએ સંકેત આપ્યો છે કે તેમના પર કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (એનએસએ) હેઠળ આરોપ મૂકવામાં આવી શકે છે. આ કાયદો જામીન વિના લાંબા ગાળાની અટકાયતની મંજૂરી આપે છે.
FCRA લાઇસન્સ રદ
કેન્દ્ર સરકારે લદાખના સોનમ વાંગચૂકની સંસ્થા સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદાખ (SECMOL)ને અપાયેલું FCRA લાઈસન્સ રદ કર્યું છે. બીજી બાજુ સીબીઆઈએ વાંગચૂક અને તેની સંસ્થા સામે વિદેશમાંથી મળેલા ધનભંડોળની તપાસ ચાલુ કરી છે. આ તપાસ પાછલા બે મહિનાથી ચાલી રહી છે. આ એનજીઓ પર ગેરકાયદેસર રીતે વિદેશમાંથી ફંડ મેળવવાનો આરોપ છે. વાંગચૂકે આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાનનો પ્રવાસ પણ કર્યો હતો અને તેને લઇને પણ સવાલો ઊભા થયાં છે. બીજી તરફ, લદ્દાખ વહીવટીતંત્રે ફેક ન્યૂઝ રોકવા માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. 24 સપ્ટેમ્બરથી લેહમાં કફર્યુ લાગુ છે. લેહમાં શાંતિપૂર્ણ વિરોધે બુધવારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. હિંસક અથડામણમાં ચાર યુવાનોના મોત થયા હતા. આ પછી ગૃહ મંત્રાલયે વાંગચુક પર ટોળાને ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો.
મને બલિનો બકરો બનાવવાનો પ્રયાસ
શુક્રવારે ધરપકડ પહેલાં વાંગચુકે એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં સરકારના આરોપોને બિલનો બકરો બનાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું. મને જેલમાં મોકલવાથી સંકટનો ઉકેલ આવશે નહીં અને વધુ સમસ્યાઓ ઊભી કરશે.
મૂર્ખામીભર્યો નિર્ણય, સ્થિતિ ગંભીર
લદ્દાખમાં વિરોધ પક્ષો અને નાગરિક સમાજના વ્યક્તિઓએ દલીલ કરી છે કે વાંગચુકની અટકાયત પરિસ્થિતિને શાંત કરવાને બદલે વધુ ભડકાવશે. લેહ એપેક્સ બોડી (એલએબી) ના કાનૂની સલાહકાર હાજી ગુલામ મુસ્તફાએ જણાવ્યું હતું કે આ પગલું લદ્દાખમાં સ્થિતિને વધુ જટિલ બનાવશે.


