નવી દિલ્હીઃ એનજીઓ ઓક્સફેમના ‘ધ ઇનઇક્વાલિટી વાઇરસ’ નામે બહાર પડેલા અહેવાલમાં જણાવ્યા મુજબ, કોરોના સંકટને કારણે વિશ્વભરમાં આવકની અસમાનતા ખૂબ જ વધી છે. ભારતમાં કોરોના મહામારીને કારણે વર્ષ ૨૦૨૦માં ૧૨.૨ કરોડથી વધુ ભારતીયોએ નોકરી ગુમાવી છે. અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે, ભારતમાં લોકડાઉન દરમિયાન દેશના સૌથી મોટા ૧૦૦ ધનપતિઓની સંપત્તિમાં ૩૫ ટકાનો વધારો થયો છે. રકમને હિસાબે જોવામાં આવે તો માર્ચ ૨૦૨૦ પછી આ ૧૦૦ ધનપતિની સંપત્તિમાં આશરે રૂ. ૧૩ લાખ કરોડનો વધારો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વેક્સિન કોવિશીલ્ડના રસીકરણનો પ્રથમ તબક્કો પૂરજોશમાં છે ત્યારે મંગળવારના અહેવાલો પ્રમાણે ભારતમાં કોરોના વાઈરસના સંક્રમિતોની કુલ સંખ્યા ૧૦૬૮૨૯૦૯, કુલ મૃતકાંક ૧૫૩૭૦૩ અને કુલ રિકવરી આંક ૧૦૩૫૧૧૮૬ થયો હતો.
સીરમ કંપનીને આગથી
રૂ. ૧૦૦૦ કરોડનું નુકસાન
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પૂણે સ્થિતિ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ની ૨૨મીએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન કંપનીના સીઈઓ આદર પૂનાવાલાએ જણાવ્યું કે, આગલા દિવસે જ ફાટી નીકળેલી આગથી સીરમ કંપનીને લગભગ રૂ. એક હજાર કરોડનું નુકસાન થયું છે. પૂનાવાલાના જણાવ્યા મુજબ, બિલ્ડિંગના ત્રણ માળને આગથી નુક્સાન પહોંચ્યું હતું અને ઘટનામાં પાંચનાં મોત થયા હતા. એ પછી ઠાકરેએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરાશે. પૂનાવાલાએ સ્પષ્ટતા કરી હતી કે, આગથી કોવિશીલ્ડને અસર પહોંચી નથી.

