લોકડાઉનના ભયે દેશભરમાં પ્રવાસી શ્રમિકોની હિજરત

Thursday 15th April 2021 04:31 EDT
 
 

નવી દિલ્હીઃ વિકરાળ બનેલા કોરોના સંક્રમણને પગલે સંખ્યાબંધ રાજ્યોમાં લદાયેલા પ્રતિબંધાત્મક આદેશો અને સંપૂર્ણ લોકડાઉનની ભીતિને કારણે મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તેલંગણા સહિતનાં રાજ્યોમાંથી પ્રવાસી શ્રમિકોએ ઉચાળા ભરવાનું શરૂ કરી દીધું છે. મહારાષ્ટ્રમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિના કારણે ગમે ત્યારે લોકડાઉન લદાય તેવી સંભાવના અને અફવાઓને પગલે યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના પ્રવાસી શ્રમિકોએ ઉચાળા ભરવાનું શરૂ કરી દીધું છે. મુંબઇના લોકમાન્ય તિલક ટર્મિનસ ખાતે પ્રવાસી શ્રમિકોની હકડેઠઠ ભીડ ઊમટી રહી છે. દેશના સંખ્યાબંધ મોટા શહેરોમાં લદાયેલા પ્રતિબંધાત્મક આદેશો, નાઇટ કરફ્યૂ અને લોકડાઉનના કારણે દરરોજ ઝારખંડની રાજધાની રાંચીમાં સેકડો પ્રવાસી શ્રમિકો પહોંચી રહ્યાં છે. ઓડિશાના ગંજમ જિલ્લામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાંથી મોટી સંખ્યામાં શ્રમિકો પરત ફરી રહ્યાં છે. મુંબઇ અને સૂરતથી આવતી ટ્રેનો ભરચક રહે છે. કર્ણાટકમાંથી મોટાભાગના શ્રમિકો મતદાન માટે પોતાના રાજ્યોમાં પરત ફર્યાં હતા પરંતુ હવે તેઓ પાછા જવા તૈયાર નથી.
દિલ્હી, પૂણે, મુંબઇથી મોટી સંખ્યામાં પ્રવાસી શ્રમિકો વતનમાં પરત ફરવા ધસારો કરી રહ્યા છે. દિલ્હીના આનંદ વિહાર બસ સ્ટેશન ખાતે બિહાર પરત જતા પ્રવાસી શ્રમિકોની મોટી ભીડ જોવા મળી રહી છે. પૂણેના રેલવે સ્ટેશન ખાતે યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળ જતા શ્રમિકો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે.
પ્રવાસી શ્રમિકોના ધસારાને જોતાં ભારતીય રેલવે બોર્ડના ચેરમેને જણાવ્યું હતું કે, ટ્રેન સેવાઓ પર કાપ મૂકવાનો કે બંધ કરવાની કોઇ યોજના નથી. પ્રવાસીઓની માગ પ્રમાણે ટ્રેનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter