હૈદરાબાદઃ ગત લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ભાજપે લોકપાલની નિમણૂક કરવા પર પણ ભાર મૂક્યો હતો. જોકે સરકારનો કાર્યકાળ પૂરો થવા આવ્યો છે છતાં સરકાર લોકપાલની પસંદગી નથી. જેથી ભ્રષ્ટાચાર નાબૂદીના સરકારના દાવા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે લોકપાલના નામની ભલામણ ફેબ્રુઆરીના અંત સુધીમાં કરી દેવા માટે પસંદગી સમિતિને અને સરકારને આદેશ આપ્યો છે. એ પછી સુપ્રીમના આદેશને ટેકો આપતાં સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ જાહેર કર્યું છે કે લોકપાલની પસંદગી ઝડપી થાય તે માટે ૩૦ જાન્યુઆરીથી મહારાષ્ટ્રમાં પોતાના ગામમાં ઉપવાસ આંદોલન શરૂ કરશે. લાંચ વિરોધી અભિયાનના કાર્યકર્તાઓએ દાવો કર્યો હતો કે લોકપાલની નિમણૂકના મામલે મોદી સરકાર ખોટા બહાના કાઢે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે મોદી સરકાર લોકપાલ અને લોકાયુક્ત એક્ટ ૨૦૧૩ના અમલીકરણ અંગે બંધારણીય સંસ્થાઓનો અવાજ સાંભળતી નથી અને દેશને સરમુખ્તયારશાહી તરફ દોરી જઇ છે.
અન્ના હઝારેએ કહ્યું હતું કે, ૨૦૧૧માં આખો દેશ લોકપાલ અને રાજ્યોમાં લોકાયુક્તની નિમણૂક માટે ઊભો થઇ ગયો હતો ત્યારે પછી જ લોકપાલ બિલ પાસ કરાયું હતું. ડિસેમ્બર ૨૦૧૩માં કાયદો બનાવવામાં આવ્યો હતો અને ૨૦૧૪માં મોદી સરકાર રચાઇ હતી. એમ મનાતું હતું કે મોદી ટુંક સમયમાં લોકપાલની નિમણૂક કરશે અને લોકપાલ બિલનો અમલ કરશે તેમજ દેશમાં ભ્રષ્ટાચાર પર લગામ લગાડવામાં આવશે એમ તેમણે કહ્યું હતું.
મોદી ૨૦૧૪માં સત્તામાં આવ્યા ત્યારે જ લોકપાલ નિમવાની જરૂર હતી, પરંતુ પાંચ વર્ષ વીતી ગયા છતાં લોકપાલના કોઇ જ ઠેકાણા નથી. સરકાર કોઇને કોઇ બહાનું કરીને અમલીકરણમાં વિલંબ કરે છે. આ તો તેમની બયાનબાઝી-જુમલેબાઝી છે. એમ તેમણે કહ્યું હતું. હઝારેએ કહ્યું હતું કે તેમણે લોકપાલની નિમણૂક કરવા વડા પ્રધાનને ૩૨ પત્રો લખ્યા હતા, પરંતુ એક પણ પત્રનો જવાબ તેમને મળ્યો નથી.


