નવી દિલ્હીઃ આગામી લોકસભાની ચૂંટણીના પ્રચારને વેગ આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬મીએ મૈં ભી ચોકીદાર અભિયાનનો પ્રારંભ કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર અને સામાજિક દૂષણો સામે લડનાર અને ભારતના વિકાસ માટે આકરી મહેનત કરનાર દરેક માણસ ચોકીદાર છે. મોદીએ શ્રેણીબદ્ધ ટ્વિટમાં જણાવ્યું હતું કે, તમારો ચોકીદાર અડીખમ ઊભો રહી દેશની સેવા કરી રહ્યો છે, પરંતુ હું એકલો નથી. ભ્રષ્ટાચાર અને સામાજિક દૂષણો સામે લડનારો દરેક ચોકીદાર છે. દેશની પ્રગતિ માટે આકરી મહેનત કરનાર દરેક નાગરિક ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યો છે કે, મૈં ભી ચોકીદાર. મોદીનાં ટ્વિટના પગલે ભાજપના સંખ્યાબંધ ભાજપી નેતાઓ #MainBhiChowkidar અભિયાન સાથે જોડાયાં હતાં અને ટ્વિટ કરવા લાગી ગયા હતા.
કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, અભિયાનમાં જોડાવાનો મને ગર્વ છે. ભારતને પ્રેમ કરનાર નાગરિક તરીકે હું ભ્રષ્ટાચાર, સામાજિક દૂષણો, ગરીબી, આતંકવાદને પરાજિત કરવા મારા શ્રેષ્ઠ પ્રયાસ કરી શકું છું અને મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ નવા ભારતનું નિર્માણ કરી શકું છું. કેન્દ્રીય રાજ્ય પ્રધાન આર. કે. સિંહે જણાવ્યું હતું કે, વલણ અપનાવીને અવાજ ઉઠાવનાર દરેક વ્યક્તિ ચોકીદાર છે. મને ભ્રષ્ટાચાર મુક્ત સ્વચ્છ ભારતનો હિસ્સો હોવાનું ગૌરવ છે.
વિપક્ષોના આક્ષેપો સામે મોદીએ દેશના મતદારોને ‘મૈં ભી ચોકીદાર’નો નારો આપ્યો છે. ભાજપનો આ નારો ગુજરાત વિધાનસભામાં પાર્ટીએ કોંગ્રેસ પર કરેલા વળતાં પ્રહારની યાદ અપાવે છે. ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ‘વિકાસ ગાંડો થયો છે’નો નારો વાઇરલ થઈ ગયો હતો. જેની સામે ભાજપે એક વીડિયો અભિયાન ચલાવી ‘મૈં હું વિકાસ, મૈં હું ગુજરાત’નો નારો આપ્યો હતો.
બેરોજગાર હાર્દિક પટેલ
‘ચોકીદાર ચોર હૈ’ના સૂત્રને વહેતું કરી કોંગ્રેસે રાફેલ કૌભાંડ મુદ્દે ભાજપને ઘેરવા તૈયારીઓ કરી ત્યાં ભાજપે ‘મૈં હું ચોકીદાર’ નારા સાથે પ્રચાર શરૂ કર્યો હતો. હવે હાર્દિક પટેલે ખુદ ટ્વિટર હેન્ડલ પર બેરોજગાર હાર્દિક પટેલ એવું લખ્યું છે.
સોશિયલ મીડિયામાં ‘ચોકીદાર ચોર હૈ’ અને ‘મૈ હું ચોકીદાર’ તેવા મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામસામે છે. એક તરફ, ભ્રષ્ટાચારને લઇને આરોપ થઇ રહ્યાં છે તો, બીજી તરફ રાષ્ટ્રના વિકાસ, કાળા નાણાં, ભ્રષ્ટાચારને રોકવા ચોકીદારને મુદ્દો બનાવાઇ રહ્યો છે. હવે હાર્દિક પટેલે આ લડાઇમાં ઝંપલાવ્યું છે.
હાર્દિક પટેલે બેરોજગારીનો મુદ્દો ઉઠાવી ભાજપ સામે જંગ છેડયો છે. તેણે ટ્વિટર હેન્ડલ પર તેના નામ સાથે બેરોજગાર શબ્દ જોડયો છે. ટ્વિટર લખ્યું છે કે, બેરોજગાર હાર્દિક પટેલ. સોશિયલ મીડિયામાં પાટીદાર યુવાઓ પણ નામ આગળ બેરોજગાર લખતા થયાં છે.