નવી દિલ્હી: ચૂંટણી અધિકાર સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ દાવો કર્યો છે કે, ચાલુ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં 538 મતવિસ્તારમાં મતદારોએ આપેલા અને વાસ્તવમાં ગણાયેલા મતની સંખ્યામાં તફાવત છે. જોકે, તેની પરિણામ પર શું અસર થઈ છે એ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
એડીઆરના સોમવારે તાજેતરની લોકસભા ચૂંટણીના મતોનું વિશ્લેષણ રજૂ કર્યું હતું. તેમાં જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણીના 362 સંસદીય મતવિસ્તારમાં મતદારોએ આપેલા વોટ કરતાં ગણવામાં આવેલા મતની સંખ્યા 5,54,598 જેટલી ઓછી હતી. જ્યારે 176 મતવિસ્તારમાં મતદારોના વોટ કરતાં ગણવામાં આવેલા મતની સંખ્યા 35,093 વધારે હતી. ચૂંટણી પંચે હજુ આ મુદ્દે કોઈ નિવેદન આપ્યું નથી.
એડીઆરના સ્થાપક જગદીપ ચોક્કરે જણાવ્યું હતું કે, ‘ચૂંટણી પંચે જાહેર કરેલા મતદાનના છેલ્લા ડેટામાં કુલ મતદાનની ટકાવારી જાહેર કરવામાં વિલંબ, મતદાન મથકોની કુલ સંખ્યા તેમજ ચૂંટણી પરિણામ છેલ્લે જાહેર કરાયેલા ડેટાને આધારે અપાયું છે કે નહીં સહિતની બાબતો ચૂંટણી પરિણામની સત્યતા અંગે શંકા ઊભી કરે છે.’


