નવી દિલ્હીઃ ચૂંટણીપંચે ૧૪ રાજ્યોની ૧૧૫ બેઠકોની ૨૩ એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ૨૮મી માર્ચે જાહેરનામું જારી કર્યું હતું. આ તબક્કામાં ગુજરાત સહિત ગોવા, દાદરા અને નગર હવેલી, દમણ અને દિવ, તેમજ પુડુચેરીમાં લોકસભાની ચૂંટણી યોજાશે. ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં તમામ સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચ અનુસાર, ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં જ્યાં ચૂંટણીઓ થશે. તેમાં મુરાદાબાદ, રામપુર, સંભલ, ફિરોઝાબાદ, મૈનપુરી, ઇટાહ, બદાયુ, ઓનલા, બરેલી અને પીલીભીતનો સમાવેશ થાય છે.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગની બેઠક માટે પણ ચૂંટણી યોજાશે. આ તબકકાની ચૂંટણી માટે ૨૮મી માર્ચથી ઉમેદવારી પત્રકો ભરવાની શરૂઆત થઇ હતી જેની અંતિમ તારીખ છે ચોથી એપ્રિલ અને ઉમેદવારી પત્રકોની ચકાસણી પાંચમી એપ્રિલે તો ઉમેદવારી પત્રકો પાછા ખેંચવાની અંતિમ તારીખ આઠ એપ્રિલ રહેશ. આ તબક્કાની ચૂંટણીમાં કોંગ્રેસ સહિત ડાબેરીઓ અને ક્ષેત્રિય પક્ષો વિવિધ રાજ્યોમાં એનડીએ સામે બાથ ભીડશે.
મહાગઠબંધન સાથે જોડાયેલા પક્ષો હજુ બેઠકોની વહેંચણીમાં અટવાયેલા છે જ્યારે ભાજપે કેટલાક રાજ્યોમાં ગઠબંધન કરી પણ નાંખ્યું છે, જો કે ઉમેદવારોના નામ જાહેર કર્યાં નથી.
ભાજપના જૂના સાથીઓ યથાવત છે તો કેટલાક સાથ છોડી પણ ગયા છે. કેટલાક રાજ્યોમાં ભાજપને ઉમેદવારો નક્કી કરવામાં તકલીફ પડી રહી હોવાના પણ અહેવાલ મળ્યા હતા.