નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા ચાલુ મહિને જારી કરાયેલા આંકડાઓ અનુસાર ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ૨૫૦૦૦ કરતાં થોડા વધુ ભારતીયો પોતાના મત આપવા ભારત આવ્યા હતા. જોકે, નોંધાયેલા મતદારોની સંખ્યા એક લાખ કરતાં પણ વધુ છે. વિદેશમાં રહેતા હોવા છતાં ભારતીય નાગરિકત્વ નહીં છોડનાર ૯૯૮૦૭ વિદેશમાં વસતા ભારતીયો વિવિધ રાજ્યોમાં મતદાર તરીકે નોંધાયેલા છે. આમાં ૯૧૮૫૦ પુરુષો અને ૭૯૪૩ સ્ત્રીઓ તેમજ ૧૪ ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થતો હતો. નોંધાયેલા મતદારો પૈકી ૨૪૪૫૮ પુરુષો અને ૧૧૪૮ સ્ત્રીઓએ સામાન્ય ચૂંટણીમાં મતદાન કર્યું હતું. દિલ્હીમાં ૨૩૧ પુરુષો અને ૧૦૫ સ્ત્રીઓ સહિત ૩૩૬ વિદેશી ભારતીયોએ મતદાર તરીકે પોતાના નામ નોંધાવ્યા હતા, પરંતુ તે પૈકી એક પણ મતદાર મત આપવા ભારત આવ્યો નહોતો.
આવું જ કંઈ પુડુચેરીમાં પણ હતું જ્યાં ૨૭૨ નોંધાયેલા મતદારો પૈકી એક પણ વિદેશી ભારતીય મત આપવા આવ્યો નહોતો. પશ્ચિમ બંગાળમાં ૩૪ વિદેશી ભારતીયો નોંધાયેલા હતા. પરંતુ તેઓ પણ મતાધિકારનો ઉપયોગ કરવા આવ્યા ન હતા.
જોકે, કેરળમાં વાત જ અલગ હતી. વિદેશમાં વસતા પરંતુ ભારતમાં નોંધાયેલા મતદારોની સંખ્યા ત્યાં સૌથી વધારે હતી અને મત આપવા ભારત આવેલાઓની સંખ્યા પણ સૌથી વધુ હતી. ૧૬મી લોકસભા ભંગ કરાતા વિદેશી ભારતીયો વતી અન્ય કોઈ (પ્રોક્સી) મત આપી શકે એવી સુવિધા ધરાવતો ખરડો પસાર કરાવી શકાયો નહોતો. એ ખરડાને ફરીથી લોકસભામાં રજૂ કરવાની કાયદા મંત્રાલયની દરખાસ્ત કેન્દ્રીય પ્રધાનમંડળની મંજૂરી માટે પડી છે.

