લોકસભામાં ભાજપ એકલા હાથે બહુમતી પાર નહીં કરી શકે: સરવે

Thursday 10th January 2019 02:35 EST
 

નવી દિલ્હીઃ એક સરવે અનુસાર જો હાલમાં લોકસભાની ચૂંટણી યોજાય તો ભાજપ એકલા હાથે બહુમતી મેળવી નહીં શકે તેવી સ્થિતિમાં છે. ઈન્ડિયા ટીવી-સીએનએક્સ ઓપિનિયન પોલ અનુસાર જો અત્યારે ચૂંટણી યોજાય તો એનડીએ ગઠબંધનને ૫૪૩ લોકસભાની બેઠકમાંથી બહુમતી માટે જરૂરી એવી ૨૭૨ બેઠક મળે તેમ નથી. એનડીએને ૨૫૭ બેઠક મળે તેવી સંભાવના છે.

સરવે અનુસાર યુપીએને ૧૪૬ બેઠકો મળવાની સંભાવના છે. આ આંકડામાં સપા અને બસપાનો સમાવેશ કરાયો નથી. આ સરવે તાજેતરમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યા બાદ કરાયો હતો.

સરવે કહે છે કે, ૫૪૩ સાંસદોની લોકસભામાં ૧૪૦ બેઠકો મેળવનારા અન્યોના હાથમાં સરકાર રચવાની ચાવી રહેશે. આ અન્યોમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, એઆઈએડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ, તેલંગણા રાષ્ટ્ર સમિતિ, બીજું જનતાદળ, વાયએસઆર કોંગ્રેસ, ડાબેરી મોરચો, પીડીપી, એઆઈયુડીએફ, એઆઈએમઆઈએમ, આઈએનએલડી, આમ આદમી પાર્ટી, જેવીએમ(પી), એએમએમકે અને અપક્ષ સાંસદોનો સમાવેશ થાય છે.

અગાઉ નવેમ્બરમાં પાંચ રાજ્યોની વિધનસભાની ચૂંટણી પહેલાં આ જ સંસ્થા દ્વારા હાથ ધરાયેલા સરવેમાં એનડીએને ૨૮૧ બેઠક સાથે સ્પષ્ટ બહુમતી અપાઈ હતી. યુપીએનને ૧૨૪ અને અન્યોને ૧૩૮ બેઠક આપવામાં આવી હતી, જોકે તાજેતરમાં કરાયેલા સરવેમાં એનડીએની બેઠકોમાં ૨૪નો ઘટાડો થયો છે, જ્યારે યુપીએની બેઠકોમાં ૨૨નો વધારો થયો છે. સરવેમાં જણાવવામાં આવ્યું હતું કે, અત્યારે લોકસભાની ચૂંટણી યોજાય તો એનડીએને ૩૭.૧૫ ટકા, યુપીએને ૨૯.૯૨ ટકા અને અન્યોને ૩૨.૯૩ ટકા મત મળે તેવી સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter