લોન ડિફોલ્ટર ‘લિકર કિંગ’ વિજય માલ્યા ભાગેડુ જાહેર

Wednesday 15th June 2016 07:21 EDT
 
 

મુંબઇઃ ભારતની સરકારી અને ખાનગી બેન્કો પાસેથી અબજો રૂપિયાની લોન લઇને પરત ચૂકવ્યા વગર જ દેશ છોડી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાને વિશેષ કોર્ટે ભાગેડુ જાહેર કર્યો છે. કોર્ટે ‘લિકર કિંગ’ને કાયદાનું ઉલ્લંઘન કરનાર તેમજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ (પીએમએલએ)ના સેકશન ૮૨ હેઠળ ભાગેડુ જાહેર કર્યો હોવાથી હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તેની તમામ સંપત્તિ જપ્ત કરી શકશે. ભારત છોડી ગયેલો માલ્યા હાલ તેના લંડન સ્થિત નિવાસસ્થાને હોવાનું મનાય છે. માલ્યા ઉપર ભારતની વિવિધ બેન્કોનું આશરે ૯૦૦૦ કરોડ રૂપિયાનું દેવું છે.

બેન્ક લોન લઇને છેતરપિંડી કરવાના કેસમાં સપડાયેલા માલ્યા વિરુદ્ધ ઇડીએ કોર્ટમાં અરજી કરી હતી. ઇડીની રજૂઆતને ધ્યાને લઇને મુંબઇની વિશેષ પીએમએલએ કોર્ટે સેકશન ૮૨ હેઠળ બિઝનેસમેન વિજય માલ્યાને ભાગેડુ જાહેર કર્યો છે. ભાગેડુ જાહેર કરવાથી માલ્યાને સ્વદેશ લાવવાની પ્રક્રિયા પર ખાસ કોઇ વધુ અસર નહીં પડે, પરંતુ ભારતમાં વિવિધ સ્થળોએ આવેલી સંપત્તિઓને જપ્ત કરવાની પ્રક્રિયા વધુ સરળ બની જશે.
હવે ઇડી પાસે માલ્યાની ભારતમાંની તમામ સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર હશે. વિશેષ ન્યાયાધીશ પી. આર. ભાવકેએ મંગળવારે પોતાના આદેશમાં જણાવ્યું છે કે ઇડીના આવેદનને મંજૂર કરીને વિજય માલ્યાને ભાગેડુ જાહેર કરવામાં આવે છે. ઇડીના મતે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ (પીએમએલએ) હેઠળ માલ્યા સામે અનેક બિનજામીન પાત્ર વોરંટ તેમજ અનેક ધરપકડ વોરંટ છે. તેની વહેલી તકે ધરપકડ માટે ઇડી પ્રયાસ કરી રહી છે.
વિજય માલ્યા વિરુદ્ધ સીઆરપીસીની કલમ ૮૨ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. ઇડીએ માલ્યા વિરુદ્ધ આઇડીબીઆઇ બેન્કનું ૯૦૦ કરોડ રૂપિયાનું કરજ લઇને પરત ન ચૂકવવાનો આરોપ મૂકયો છે. માલ્યા બીજી માર્ચ, ૨૦૧૬ના દિવસે લંડન માટે રવાના થયો ત્યારબાદ ઇડીએ પોતાની તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
ઇડીના આદેશ અનુસાર વિદેશ મંત્રાલયે માલ્યાનો પાસપોર્ટ પણ રદ કર્યો છે. વિદેશ મંત્રાલયે બ્રિટિશ સરકારને માલ્યાને ભારત વાપસી કરવા માટે આગ્રહ પણ કર્યો હતો. જોકે બ્રિટને ભારતની માગણીનો અસ્વીકાર કર્યો છે. બ્રિટને પોતાના બચાવમાં જણાવ્યું હતું કે માલ્યા એકદમ નિર્દોષ છે અને ભારત પર તેમની વિરૂધ્ધ ખોટો કેસ ચલાવવામાં આવી રહયો છે.

સંપત્તિ ટાંચમાં લેવા વિશેષ ટીમ

માલ્યા વિરુદ્ધ દેશની અનેક સુરક્ષા એજન્સીઓ પોતાની રીતે તપાસ કરી રહી છે. સીબીઆઇએ પણ આ મામલાની તપાસ માટે વિશેષ ટીમની નિમણૂક કરી છે. ઇડીએ માલ્યા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ બહાર પાડી ઇન્ટરનેશનલ એજન્સી ઇન્ટરપોલના સંપર્કમાં છે. ઇડીએ માલ્યાની સંપત્તિ પર ટાંચ મારવા વિશેષ ટીમની રચના કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter