વંદે માતરમનું ગાન અધવચ્ચે અટકાવતાં સોનિયા ગાંધી વિવાદમાં

Thursday 20th August 2026 05:36 EDT
 
 

નવી દિલ્હીઃ દેશના સ્વાતંત્ર્ય પર્વે કોંગ્રેસ વડા મથકે યોજાયેલા ધ્વજવંદનના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી દ્વારા વંદે માતરમનું ગાન અટકાવવાનો પ્રયાસ થતાં હોબાળો મચી ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માગણી કરી છે કે રાષ્ટ્રગીત વંદે માતરમના અપમાન બદલ સોનિયા ગાંધીએ દેશની માફી માગવી જોઈએ. ભાજપે સોનિયા ગાંધીના કરતૂતને રાષ્ટ્રગીતનું અપમાન ગણાવી દેશભરમાં વિરોધ પ્રદર્શનો કર્યા છે અને કર્ણાટકના ઉર્વા ખાતે સોનિયા ગાંધી સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. દિલ્હીમાં સોનિયા ગાંધી ઉપરાંત રાહુલ ગાંધી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બીજી તરફ, કોંગ્રેસે રાષ્ટ્રગીતના અપમાનના આક્ષેપોને ફગાવી દેતા કહ્યું છે કે સરકારની નિષ્ફળતા તથા દેશના વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા ભાજપ દ્વારા હીન પ્રયાસ થઈ રહ્યા છે.
અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીએ આ પાપ બદલ દેશની અને પ્રતિષ્ઠિત સર્જક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની માફી માગવી જોઈએ. પશ્ચિમ બંગાળમાં ભાજપના ધારાસભ્ય અને બંકિમચંદ્રની પાંચમી પેઢીના વંશજ સુમિત્રો ચેટરજીએ આ બાબતે કોંગ્રેસ સંસદીય પક્ષના વડાને પત્ર લખ્યો છે અને કોંગ્રેસ હેડ ક્વાર્ટર ખાતે બનેલી ઘટના બદલ બિનશરતી માફી માગવા જણાવ્યું છે.
વંદે માતરમના વિરોધમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની માનસિકતા ઉઘાડી થઈ હોવાનો દાવો કરતાં ભાજપે તેમને ‘દિમાગી નક્સલ’ ગણાવ્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે, વોટ બેન્કની રાજનીતિના કારણે કોંગ્રેસે વંદે માતરમ ભુલાવી દીધું હતું. રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે રેલીને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, સ્વતંત્રતાના 80 વર્ષ પછી લાલ કિલ્લા પર તથા ધ્વજવંદન થયાં તે દરેક સ્થળે વંદે માતરમ આખું ગવાયું છે. સ્વતંત્રતા સંગ્રામમાં વંદે માતરમ ગાવા બદલ હજારો લોકો પર ગોળીઓ અને લાઠીઓ ચાલી હતી. કોંગ્રેસ હેડ ક્વાર્ટર ખાતે સોનિયા ગાંધીએ પક્ષ પ્રમુખને ગાન અધવચ્ચે રોકી દેવા જણાવ્યું હોવાનું દૃશ્ય ટીવી પર દરેકે જોયું છે. દેશના 140 કરોડ લોકો સોનિયા ગાંધીને ક્યારેય માફ નહીં કરે. તેમણે બે હાથ જોડી દેશવાસીઓની અને બંકિમબાબુની માફી માગવી જોઈએ.
કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે દાવો કર્યો હતો કે, સરકારની નિષ્ફળતા છુપાવવા અને સાચા મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા ભાજપ દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે. વંદે માતરમના ગાનને અધવચ્ચે અટકાવવાનો કોઈ પ્રયાસ થયો ન હતો. 1937માં કોલકતા ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન વંદે માતરમની શરૂઆતની પંક્તિઓ ગાવા નિર્ણય લેવાયો હતો. કોંગ્રેસ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનને સમાન સન્માન આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter