નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાષ્ટ્ર ગાન વંદે માતરમ્ રાષ્ટ્રગીતના 150 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે એક વર્ષ સુધી ચાલનારા સ્મરણોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે વંદે માતરમ્, આ શબ્દ, એક મંત્ર છે, એક ઊર્જા છે, એક સ્વપ્ન છે. એક સંકલ્પ છે. વંદે માતરમ્, આ શબ્દ મા ભારતીની સાધના છે, મા ભારતીની આરાધના છે. વંદે માતરમ્... આ શબ્દ આપણને ઈતિહાસમાં લઈ જાય છે.
તેમણે કહ્યું હતું કે વંદે માતરમ્ આપણા વર્તમાનને નવા આત્મવિશ્વાસથી ભરી દે છે અને આપણા ભવિષ્યને તે નવો જુસ્સો પ્રદાન કરે છે કે એવો કોઇ સંકલ્પ નથી જેની સિદ્ધિ ન થઈ શકે, એવું કોઈ લક્ષ્ય નથી જેને આપણે ભારતવાસીઓ પ્રાપ્ત ન કરી શકીએ. ગુલામીના તે સમયગાળામાં વંદે માતરમ્ આ સંકલ્પનો ઉદઘોષ બની ગયો હતો અને તે ઉદ્ઘોષ હતો ભારતની સ્વતંત્રતાનો, મા ભારતીની હાથમાંથી ગુલામીની સાંકળ તૂટશે અને તેના સંતાનો સ્વંય પોતાના ભાગ્યના ભાગ્ય વિધાતા બનશે.
આતંકના નાશ માટે ભારત દુર્ગા બનવાનું જાણે છે
વડાપ્રધાને કહ્યું હતું કે 1927માં મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે વંદે માતરમ્ આપણી સમક્ષ સમગ્ર ભારતની એક એવી તસવીર રજૂ કરે છે, જે અખંડ છે... આપણા રાષ્ટ્ર ધ્વજમાં સમયની સાથે ઘણા પરિવર્તન થયા પરંતુ ત્યારથી આજ સુધી જ્યારે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવાય છે ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમ્ આપમેળે જ આપણા મોંઢામાંથી નીકળી જાય છે. જ્યારે શત્રુએ આતંકવાદના માધ્યમથી ભારતની સુરક્ષા અને સન્માન પર પ્રહાર કરવાનું સાહસ કર્યું ત્યારે સમગ્ર દુનિયાએ જોયું કે નવું ભારત જો માનવતાની સેવા માટે કમલા અને વિમલાનું સ્વરૂપ છે તો આતંકવાદના નાશ માટે 10 પ્રહર ધારિણી દુર્ગા બનવું પણ જાણે છે.


