નવી દિલ્હી, તા. ૨૧ઃ બહુચર્ચિત ટુ-જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડમાં ચુકાદો આવી ગયો છે. આમાં પૂર્વ સંદેશવ્યવહાર પ્રધાન એ. રાજા અને ડીએમકે નેતા એમ. કે. કનિમોઝી જેવાં અનેક નામો સામેલ હતાં. હવે તેઓ આ કેસમાં નિર્દોષ સાબિત થયા છે. પરંતુ આ કેસમાં પહેલાં એ રાજાને ૪૬૯ અને કનિમોઝીને ૧૯૩ દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું.
રાજા યુપીએ સરકારમાં સંદેશવ્યવહાર પ્રધાન હતા અને તેમણે આ કેસમાં પ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. એ પછી બીજી ફેબ્રુઆરી ૨૦૧૧માં તેમને જેલ જવાનો વારો આવ્યો હતો. આશરે ૧૪ મહિના પછી ૧૫ મે ૨૦૧૨માં તેમને જામીન મળ્યા હતા. તેઓ નિર્દોષ સાબિત થયા પણ તેમને એ માટે જેલમાં ૪૬૯ દિવસો ગાળવા પડ્યા હતા. આ જ રીતે ડીએમકે પ્રમુખ અને પાંચ વખત રાજ્યના મુખ્ય પ્રધાન રહી ચુકેલા એમ. કરુણાનિધિનાં દીકરી અને રાજ્યસભા સાંસદ (તે વખતે) કનિમોઝી પણ ૧૯૩ દિવસ સુધી જેલમાં રહ્યા હતા.