વચન પર અડગ રહેવું એ મારું હિન્દુત્વ: ઠાકરે

Thursday 05th December 2019 14:50 EST
 
 

મુંબઇઃ શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડીને બિનસાંપ્રદાયિકતાને વરેલી એનસીપી અને કોંગ્રેસ સાથે હાથ મિલાવતા સૌના મનમાં સવાલ હતો કે શું શિવસેનાએ હિન્દુત્વની વિચારધારાનો ત્યાગ કર્યો છે? રવિવારે કોંગ્રેસના નાના પટોલેએ સ્પીકરપદે શપથ ગ્રહણ કર્યા પછી શિવસેના વડા અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, હું આજે પણ હિન્દુત્વની વિચારધારાને વરેલો છું અને ક્યારેય તેનો ત્યાગ કરીશ નહીં. મેં આપેલા વચન પર અડગ રહેવું એ જ મારું હિન્દુત્વ છે.
ભાજપ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, હું વિધાનસભા અને રાજ્યની જનતાને વચન આપું છું કે, હું મધરાતના સમયે કોઈ નિર્ણય લઈશ નહીં. હું જનતાના હિત માટે કામ કરતો રહીશ.
ફડણવીસને વિપક્ષના નેતાપદે નિયુક્તિ બદલ અભિનંદન આપતાં ઠાકરેએ જણાવ્યું હતું કે, હું તમને ઓપોઝિશન લીડર નહીં રિસ્પોન્સિબલ લીડર કહીશ.

ફડણવીસ સાથેની મિત્રતા સ્વીકારવામાં મને કોઈ ખચકાટ થતો નથી. અમે લાંબા સમયથી સારા મિત્ર રહ્યાં છીએ. મને દેવેન્દ્ર ફડણવીસ પાસેથી ઘણી બાબત શીખવા મળી છે અને હું હંમેશાં તેમનો મિત્ર બની રહીશ. ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસને સંબોધીને જણાવ્યું હતું કે, જો તમે અમને સાંભળ્યા હોત અને મારી સાથે સારું વર્તન કર્યું હોત તો હું આજે ઘેર બેસીને ટીવી પર આજનો ઘટનાક્રમ જોઈ રહ્યો હોત.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter