વડા પ્રધાન મોદી અદ્ભૂત વ્યક્તિત્વ ધરાવે છે એ વાતે તેમના વિરોધીઓ પણ સહમતઃ નાયડુ

Tuesday 17th May 2022 05:16 EDT
 
 

નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ 'મોદી@20: ડ્રીમ મિટિંગ ડિલિવરી' પુસ્તકનું વિમોચન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે મોદીના દૃષ્ટિકોણ, સપના અને મિશન ઇન્ડિયા એ તેમના બહોળા પ્રવાસ, બારીક સમજણ અને પ્રયોગાત્મક સફરની નીપજ છે.
‘મોદી@20: ડ્રીમ્સ મીટિંગ ડિલિવરી’ પુસ્તકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીથી શરૂ કરીને વડા પ્રધાન તરીકેના કુલ ૨૦ વર્ષના કાર્યકાળનું અમિત શાહ, પી. વી. સિંધુ, અજીત દોવલ, અરવિંદ પનગઢિયા, નંદન નિલેકાની, અનુપમ ખેર, જગ્ગી વાસુદેવ અને ઉદય કોટક સહિત ૨૨ હસ્તીઓએ વિશ્લેષણ કર્યું છે. પુસ્તકની પ્રસ્તાવના સ્વ. લતા મંગેશકરે લખી છે.
વિમોચન સમારંભને સંબોધન કરતાં ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, 'વડા પ્રધાન મોદીના વિરોધીઓ પણ સહમત છે કે તેઓ અદભુત વ્યક્તિત્વ ધરાવે છે. મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા ચળવળને ઉચ્ચ બૌદ્ધિકોના હાથમાંથી લઇ લઇને તેને જે રીતે જનઆંદોલન બનાવી દીધું હતું, તો વડા પ્રધાન મોદીએ વિકાસ પહેલને જનઆંદોલનનું રૂપ આપી દીધું છે.'
નાયડુએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે રાજ્યના વિકાસની પટકથા લખતી વખતે જે શીખવા મળ્યું તેનો ઉપયોગ રાષ્ટ્રીય કક્ષાએ વડા પ્રધાન તરીકે કરી બતાવ્યો. મોદીમાં એવી પાયાની ખૂબીઓ છે કે જે તેમને અન્ય નેતાઓથી અલગ દર્શાવે છે. વર્તમાન સમયમાં વડાપ્રધાન મોદી જેટલી પ્રયોગાત્મક યાત્રા કોઇ નેતાએ નથી કરી.
તેમણે જણાવ્યું કે વડા પ્રધાન મોદી તે આઝાદ ભારતમાં જન્મેલા પ્રથમ વડા પ્રધાન છે કે જેમણે વીતેલા 20 વર્ષોમાં આઝાદ ભારતના ઇતિહાસમાં અનોખું સ્થાન લઇ લીધું છે.
ઉપરાષ્ટ્રપતિ નાયડુએ જણાવ્યું હતું કે 'મોદી@20: ડ્રીમ મિટિંગ ડિલિવરી' પુસ્તક તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વશૈલી, વિવિધ વૈચારિક પ્રક્રિયા, સક્રિય અભિગમની ઓળખ આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter