મુંબઇઃ સ્વર કોકિલા લતા મંગેશકરના પિતા માસ્ટર દિનાનાથ મંગેશકરની 80મી પૂણ્યતિથિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. લતા મંગેશકરની સ્મૃતિમાં શરૂ કરાયેલો આ એવોર્ડ દર વર્ષે રાષ્ટ્રનિર્માણમાં પ્રશંસનીય પ્રદાન આપનાર એક મહાનુભાવને એનાયત કરાશે. રવિવારે જમ્મુ-કાશ્મીર પ્રવાસે ગયેલા વડા પ્રધાન મોદી ત્યાંથી સીધા મુંબઈ આવ્યા હતા અને એવોર્ડ સમારંભમાં હાજરી આપી હતી.
આ પ્રસંગે યોજાયેલા સમારંભને સંબોધતા વડા પ્રધાને જણાવ્યું હતું કે સંગીત જેવા વિષયનો હું જાણકાર નથી, પરંતુ સાંસ્કૃતિક ભાવથી હું એ અહેસાસ કરું છું કે સંગીત એક સાધના અને ભાવના પણ છે. તેમણે કહ્યું હતું કે સંગીત માતૃત્વ અને પ્રેમની અનુભૂતિ પ્રદાન કરી શકે છે. આપણે બધા સૌભાગ્યશાળી છીએ કે આપણે સંગીતના આ સામર્થ્યને, આ શક્તિને લતાદીદીના સ્વરૂપમાં સાક્ષાત જોયું છે. મારા માટે લતા દીદી સુર સામ્રાજ્ઞીની સાથે મારા મોટા બહેન પણ હતા. હું આ પુરસ્કર દેશવાસીઓને સમર્પિત કરું છું. લતા દીદીના નિધનથી રક્ષાબંધનના દિવસે તેમની ખોટ સાલશે.
મંગેશકર બહેનો અને ગાયિકાઓ આશા ભોસલે, ઊષા મંગેશકર અને મીના ખાદીકર ઉપરાંત સંગીતકાર આદિનાથ મંગેશકર પણ આ અંગે મુંબઇમાં યોજાયેલા એક સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.


