વડા પ્રધાન મોદી સતત ત્રીજી વાર કેન્દ્રમાં શાસનધૂરા સંભાળશેઃ સર્વે

Saturday 25th February 2023 13:32 EST
 
 

નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ - ભાજપ સહિતના પક્ષોએ કમર કસી લીધી છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કોંગ્રેસ માટે બૂસ્ટર ડોઝ તરીકે કામ કરી રહી છે તો ભાજપે તેવી બેઠકો માટે રણનીતિ ઘડવાની કામગીરી શરૂ કરી છે જ્યાં તે નબળી છે. આ દરમિયાન એક સર્વે સામે આવ્યો છે. જેનાથી સ્પષ્ટ થઇ ગયું છે કે જો આજે ચૂંટણી થાય તો દેશમાં કોની સરકાર બનશે.
‘ઇન્ડિયા ટુડે’ મેગેઝિન અને સી વોટરનો આ સર્વે ગયા મહિનાનો છે અને સર્વેના તારણ અનુસાર દેશમાં ફરી વાર એનડીએ સરકાર બની શકે છે. એટલે કે સતત ત્રીજી વાર મોદી સરકારની જીતનું અનુમાન છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીઓમાં ભવ્ય જીત મેળવનાર ભાજપ અને તેના સહયોગી પક્ષોની આગામી ચૂંટણીમાં બેઠકો ઘટે તેવી સંભાવના જણાઈ રહી છે.
યુપીએ-એનડીએમાં કોને કેટલી સીટ મળશે?
સર્વે દરમિયાન લોકોને સવાલ કરાયો હતો કે જો આજે ચૂંટણી થાય તો તમે કોને મત આપશો. આ હિસાબે જે પરિણામ સામે આવ્યું હતું તેમાં ફરી વાર એનડીએ સરકાર બને તેવા સંકેત જોવા મળ્યા હતા. સર્વે અનુસાર એનડીએને 298, યુપીએને 153 અને અન્યના ખાતામાં 92 સીટ જાય તેવી સંભાવના છે. વોટ શેરિંગની વાત કરીએ તો એનડીએને 42 ટકા મત મળી શકે છે. જ્યારે યુપીએને 29 અને અન્યના ખાતામાં 28 ટકા મત પડી શકે છે. લોકોએ મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતા વિશે પણ જણાવ્યું છે. 25 ટકા લોકોએ મોંઘવારીને મોટી નિષ્ફળતા ગણાવી છે. તો 17 ટકાએ બેરોજગારીને નિષ્ફળતા કહી હતી. આઠ ટકા લોકોએ કોવિડ સામેની કામગીરી અને છ ટકાએ આર્થિક વિકાસને મોટી નિષ્ફળતા ગણાવી હતી.
કોંગ્રેસમાં કોણ સુધારો લાવી શકે?
લોકોને મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વિશે પણ સવાલ કરાયો હતો. તેમાં પુછાયું હતું કે કોંગ્રેસમાં કોણ સુધારો લાવી શકે છે. તેના જવાબમાં 26 ટકાએ રાહુલ ગાંધીનું નામ લીધું હતું જ્યારે બીજા નંબરે સચિન પાઇલટ રહ્યા હતા. તેમને 16 ટકા મત મળ્યા હતા. ત્રીજા નંબરે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું નામ આવ્યું હતું. તેમને 12 ટકા મત મળ્યા હતા. જ્યારે પ્રિયંકા ગાંધી આઠ ટકા સાથે ચોથા સ્થાને હતાં. વર્તમાન કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ત્રણ ટકા લોકોનું સમર્થન મળ્યું હતું.
સર્વેમાં યુપીએ માટે રાહતના સમાચાર
સર્વેમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએ માટે રાહતના સમાચાર છે. સર્વે પ્રમાણે યુપીએની સીટ વધી રહી છે. તો બીજી તરફ એનડીએની સીટ ઘટી છે. છેલ્લા છ મહિનામાં એનડીએની સીટ ઘટી છે. ઓગસ્ટ 2022માં એનડીએને બેઠક મળવાનું અનુમાન જ્યારે જાન્યુઆરી 2023માં સીટો ઘટીને 298 રહી ગઇ છે. જોકે, તેમ છતાં એનડીએએ બહુમતનો આંકડો સરળતાથી પાર કરી લીધો છે. યુપીએની વાત કરીએ તો ઓગસ્ટમાં તેને 125 સીટ મળતી દેખાતી હતી જ્યારે જાન્યુઆરી 2023માં તેમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. હાલ તેને 153 સીટ મળતી જણાઇ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter