વડા પ્રધાન મોદીએ બચત, ગિફ્ટ્સની હરાજીમાંથી મળેલા રૂ. ૧૦૩ કરોડ દાન કર્યા

Tuesday 08th September 2020 15:24 EDT
 
 

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીમાં ૧૦૩ કરોડ રૂપિયાની રકમ દાનમાં આપી છે. સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો કરાયો છે કે વડા પ્રધાન મોદીએ તેમની બચત અને વડા પ્રધાન તરીકે તેમને જે કંઇ ભેટસોગાદ મળે છે તેની હરાજી કરીને મેળવેલી રકમ સંખ્યાબંધ સામાજિક કાર્યોમાં દાન કરી છે.
ગંગાના સ્વચ્છતા અભિયાનથી લઈને કન્યા કેળવણી સુધીના વિવિધ પ્રોજેક્ટ્સમાં મોદીએ આ દાન આપ્યું છે. કોરોના જેવી મહામારી વખતે કામ આવે તે માટે સ્થપાયેલા પીએમ કેર્સ ફંડમાં પણ મોદીએ શરૂઆતમાં ૨.૨૫ લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. કુંભમેળામાં સ્વચ્છતા અભિયાન ચલાવનારા સ્વચ્છતા કર્મચારીઓના લાભમાં મોદીએ ૨૧ લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. ૨૦૧૯માં વડા પ્રધાન મોદીને સાઉથ કોરિયાએ સીઓલ પીસ પ્રાઈઝ આપ્યું હતું. તેમાં પુરસ્કાર પેટે ૧.૩ કરોડ રૂપિયાની ધનરાશી મળી હતી. એ રકમ મોદીએ ગંગાની સ્વચ્છતા માટે ચાલતા પ્રોજેક્ટમાં આપી દીધી હતી.
થોડા સમય પહેલાં જ વડા પ્રધાનને ભેટ સ્વરૂપે મળતી ચીજવસ્તુઓની હરાજી થઈ હતી. એમાંથી ૩.૪૦ કરોડ રૂપિયા ઉપજ્યા હતા. નમામિ ગંગે અંતર્ગત મોદીએ ૩.૪૦ કરોડ રૂપિયા જેવી રકમ ડોનેટ કરી હતી. મોદીને મળેલી ગિફ્ટ્સની સૂરતમાં હરાજી થઈ હતી. એમાં ૮.૩૫ કરોડ રૂપિયા મળ્યા હતા. એ બધી જ રકમ પણ વડા પ્રધાને દાન કરી દીધી હતી.
૨૦૧૪માં વડા પ્રધાન બન્યા તે પહેલાં મુખ્ય પ્રધાન તરીકે ગુજરાતમાંથી પદભાર છોડયો એ વખતે તેમણે ગુજરાત સરકારના કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ માટે ૨૧ લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એ વખતે મળેલી તમામ ગિફ્ટ્સની તેમણે હરાજી કરી હતી અને એમાંથી મળેલી ૮૯.૯૬ કરોડ રૂપિયા જેવી માતબર રકમ કન્યા કેળવણીમાં આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter