વડા પ્રધાન મોદીના ૧૯૮૭-૮૮માં ઈ-મેઈલ અને ડિજિટલ કેમેરાના ઉપયોગ નિવેદનથી હોબાળો

Tuesday 14th May 2019 15:12 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું હાસ્યાસ્પદ નિવેદન ‘વાદળોના કારણે લડાકુ વિમાનો રડારમાં પકડાતા નથી.’ વાયરલ થયા પછી તેમનું વધુ એક નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે. મોદીએ કહ્યું છે કે, ૧૯૮૭-૮૮માં તેઓ ઈ-મેઈલ અને ડિજિટલ કેમેરાનો ઉપયોગ કરતા હતા. તેમના આ દાવાના કારણે તેઓ સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે એર સ્ટ્રાઈક વખતે વાદળિયું વાતાવરણ હતું એટલે એરસ્ટ્રાઈક અટકાવવાની સલાહ નિષ્ણાતોએ આપી હતી, પરંતુ વાદળના કારણે લડાકુ વિમાનો રડારમાં પકડાતા નથી એટલે નિયત સમયે જ એરસ્ટ્રાઈક કરાવી હતી. એ નિવેદન પછી ભારે હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઈ હતી અને લોકોએ સોશિયલ મીડિયામાં મોદીના જનરલ નોલેજ બાબતે સવાલો ઉઠાવ્યો હતા. તે પછી વધુ એક વિડિયો વાયરલ થયો હતો, જેમાં મોદી એવું કહે છે કે ૧૯૮૭-૮૮માં તે ઈ-મેઈલનો ઉપયોગ કરતા હતા અને એ જ વર્ષે તેમણે ડિજિટલ કેમેરાનો પણ ઉપયોગ કર્યો હતો. મોદી એ વીડિયોમાં દાવો કરતા જણાય છે કે વડગામમાં ૧૯૮૭-૮૮માં થયેલી એક સભામાં એલ. કે. અડવાણીનો કલર ફોટો તેમણે પાડયો હતો. મોદીએ દાવો કર્યો હતો કે તે એ સમયે ડિજિટલ ફોટો પાડીને ઈ-મેઈલથી દિલ્હી મોકલતા હતા.
એવોર્ડ વાપસી કરનારી ગેંગની રેપ મુદ્દે બોલતી બંધ?
જોકે ઉત્તર પ્રદેશમાં સાતમા અને છેલ્લા તબક્કાનાં મતદાન પહેલાં ૧૧મીએ મોદીએ ગાઝીપુર અને રોબટ્સગંજમાં સભાને સંબોધીને કોંગ્રેસ, સપા અને બસપા પર જોરદાર પ્રહારો કર્યા હતા. અલવર ગેંગરેપ કેસ મામલે કોંગ્રેસને આડે હાથ લઈને મોદીએ પ્રશ્ન પૂછયો હતો કે, રાજસ્થાનનાં અલવરમાં થયેલા ગેંગરેપ મુદ્દે અગાઉ એવોર્ડ વાપસી કરનાર બુદ્ધિજીવીઓ અને લેખકોની ગેંગ હવે ચૂપ કેમ છે? અમારી સરકારે પાંચ વર્ષમાં મહિલાઓનું સન્માન જાળવ્યું છે. રેપ જેવા ઘાતકી ગુના માટે આરોપીને ફાંસીની સજાની જોગવાઈ કરી છે ત્યારે મહિલાઓની સુરક્ષા માટે કોંગ્રેસ કેવા કામ કરી રહી છે તે આખો દેશ જોઈ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter