નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ જાહેર કરેલા ડેક્લેરેશન મુજબ તેમની કુલ સંપત્તિ રૂ. ૩.૦૭ કરોડ છે. ગયા વર્ષે તેમની સંપત્તિમાં રૂ. ૨૨ લાખનો વધારો થયો હતો. આને કારણે તેમની સંપત્તિ રૂ. ૨.૮૫ કરોડથી વધીને રૂ. ૩.૦૭ કરોડ થઈ હતી. અન્ય પ્રધાનોની જેમ મોદી દ્વારા શેરબજારમાં રોકાણ કરવામાં આવતું નથી. તેઓ નાણાકીય ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરે છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં તેમનું રોકાણ રૂ. ૮.૯ લાખ છે. જ્યારે લાઈફ ઇન્સ્યુરન્સ પોલિસીમાં તેમણે રૂ. ૧.૫ લાખનું રોકાણ કર્યું છે. ૨૦૧૨માં તેમણે એલએન્ડટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડમાં રૂ. ૨૦,૦૦૦નું રોકાણ કર્યું છે.
વડા પ્રધાન પદ સંભાળ્યા પછી કોઈ નવી પ્રોપર્ટી ખરીદી નથી
મોદી ૨૦૧૪માં વડા પ્રધાન બન્યા પછી તેમણે કોઈ નવી પ્રોપર્ટી ખરીદી નથી. તેમનું એક રહેણાંક માટેનું મકાન ૨૦૦૨માં ખરીદ્યુ હતું જેની કિંમત રૂ. ૧.૧ કરોડ છે. તેઓ ૧૪,૧૨૫ સ્કવેર ફૂટની એક જોઈન્ટ પ્રોપર્ટી ધરાવે છે જેમાં તેમનો હિસ્સો ચોથા ભાગનો એટલે કે ૩,૫૩૧ સ્કવેર ફૂટનો છે. ગાંધીનગર સેક્ટર-૧માં આ પ્રોપર્ટી તેમણે ગુજરાતનાં મુખ્ય પ્રધાન બન્યા તેનાં બે મહિના પહેલાં ૨૫ ઓક્ટોબર ૨૦૦૨માં રૂ. ૧.૩ લાખમાં ખરીદી હતી.
રૂ. ૧.૮૬ કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ્સ
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિાયની ગાંધીનગર બ્રાન્ચમાં ૩૧ માર્ચમાં તેની એફડી રૂ. ૧.૮૬ કરોડ હતી જે ગયા વર્ષે રૂ. ૧.૬૦ કરોડ હોવાનું જણાવ્યું હતું. મોદી પોતાની માલિકીની કોઈ કાર ધરાવતા નથી. તેમની પાસે ૪૫ ગ્રામની સોનાની ચાર વીંટી છે જેનું મૂલ્ય ૧.૪૮ લાખ છે. ૩૧ માર્ચ ૨૦૨૧નાં રોજ તેમનું બેન્ક બેલેન્સ રૂ. ૧.૫ લાખ અને હાથ રોકડ રૂ. ૩૬,૦૦૦ હતી.વાજપેયી સરકાર વખતે તમામ કેન્દ્રીય પ્રધાનો માટે મિલકતો તેમજ જવાબદારી જાહેર કરવાની જોગવાઈ કરાઈ હતી.


