વડા પ્રધાન મોદીને મળીને અગાઉ ન હોય તેવી આશા જન્મી છેઃ બિલ ગેટ્સ

Thursday 09th March 2023 00:45 EST
 
 

નવી દિલ્હી: માઇક્રોસોફ્ટના સહસ્થાપક અને વિશ્વના સૌથી ધનિકોમાંથી એક એવા બિલ ગેટ્સે ભારતની પ્રગતિની ભરપેટ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું છે કે ભારતે આરોગ્ય, વિકાસ અને હવામાન જેવા ક્ષેત્રોમાં સારી પ્રગતિ કરી રહ્યું છે. આ દેશે બતાવ્યું છે કે સંશોધન અને નવીનીકરણમાં રોકાણ થાય ત્યારે શું શક્ય બને છે. વડા પ્રધાન મોદી સાથે મારી વાર્તાલાપથી મને ભારત પ્રત્યે અગાઉ ન હોય તેવી આશા જન્મી છે.
બિલ ગેટ્સે મોટા પાયે સલામત, અસરકારક અને પોષણક્ષમ રસીઓ બનાવવાની ભારતની વિપુલ ક્ષમતાની પણ પ્રશંસા કરી છે. આમાંની અમુક રસીઓને ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા પણ સહયોગ મળ્યો છે. ગેટ્સે કહ્યું છે કે આ રસીઓથી કોરોનાની મહામારી દરમિયાન વિશ્વભરમાં લાખો લોકોને બચાવી શકાયા છે અને અન્ય બીમારીઓને અટકાવી શકાઇ છે. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહઅધ્યક્ષ ગેટ્સે કહ્યું હતું કે તેઓ પીએમ મોદીને મળ્યા હતા.
આ મુલાકાત અંગે વડા પ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે ‘બિલ ગેટ્સને મળીને આનંદ થયો અને અનેક મહત્વના મુદાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી. આ ગ્રહને વધુ સારું અને ટકાવવાપાત્ર બનાવવા માટે તેમની ઉદારતા અને દ્રઢતા અત્યંત સ્પષ્ટ છે.’
ગેટ્સે પોતાના બ્લોગિંગ સાઇટ પર લખ્યું હતું કે ‘જ્યારે વિશ્વ સામે ઘણાં પડકારો છે ત્યારે ભારત જેવા ગતિશીલ અને રચનાત્મક દેશની મુલાકાત લેવી પ્રેરણાદાયક બાબત છે. આમ તો મહામારીને કારણે છેલ્લાં ત્રણ વર્ષમાં મેં વધુ મુસાફરી કરી નથી, પરંતુ નરેન્દ્ર મોદી સાથે સંપર્કમાં રહ્યો છું. ખાસ કરીને કોવિડની રસીઓ બનાવવા અને ભારતની આરોગ્ય સિસ્ટમ્સમાં રોકાણ કરવાની દિશામાં અમે સાથે રહ્યા છીએ.’
નવા લાઇફસેવિંગ ટુલ્સ બનાવવા ઉપરાંત ભારતે તેમની વહેંચણીમાં ભારતે ઉત્કૃષ્ટ કામ કર્યું છે. તેના જાહેર આરોગ્યની સિસ્ટમે કોરોનાના 2.2 બિલિયનથી વધુ ડોઝની ડિલિવરી કરી છે. ગેટ્સે નોંધ્યું હતું કે ભારતે મહામારી દરમિયાન 30 કરોડ લોકોને ઇમર્જન્સી ડિજિટલ પેમેન્ટ્સ ટ્રાંસફર કર્યા છે. આ એટલે જ શક્યું બન્યું છે કેમ કે ભારતે નાણાકીય સમાવિષ્ટતાને અગ્રિમતા આપી છે. ડિજિટલ આઇડી સિસ્ટમ (આધાર) અને ડિજિટલ બેન્કિંગ માટે નવીન પ્લેટફોર્મ્સ ઊભા કરવામાં પણ તેણે દ્રઢતા બતાવી છે.
ગતિશક્તિ કાર્યક્રમની પ્રશંસા કરતાં ગેટ્સે કહ્યું હતું કે આ દર્શાવે છે કે ડિજિટલ ટેક્નોલોજી સરકારને કેવી રીતે કામ કરવામાં મદદ કરી શકે છે. આ ડિજિટલી 16 મંત્રીઓને જોડે છે. ગેટ્સે ઉમેર્યું કે તેમણે મોદી સાથે જી-20ની અધ્યક્ષતા અંગે પણ ચર્ચા કરી હતી. હું આશા રાખું છું કે ભારત આ પ્રગતિ ચાલુ રાખશે અને વિશ્વ સાથે તેની સંશોધનોને શેર પણ કરશે.
બિલ ગેટ્સે ખીચડીમાં વઘાર કર્યો
બિલ ગેટ્સે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સાથે ખીચડીમાં વઘાર કર્યો હતો. આ અંગે જારી એક વીડિયોમાં તેઓ વાટકીમાં ખીચડી લઇને તેને ચાખતા પણ નજરે ચડે છે. તેનો સ્વાદ સારો લાગ્યો હોય તેવી રીતે હકારમાં માથું ઉઠાવતાં પણ તેઓ દેખાય છે. સ્મૃતિએ આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે ‘બિલ ગેટ્સે ખીચડીમાં વઘાર કર્યો છે. ભારતના સુપરફૂડ અને તેના પોષણ ઘટકને ઓળખી રહ્યા છે.’ આ વીડિયો પછી ચર્ચાઓ શરૂ થઇ છે. લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter