ક્રિષ્નાનગરઃ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ચડ ઉતર અને નજીવા ઘટાડાથી ગુસ્સે થયેલા તેલંગણાના એક નાગરિકે ‘વડા પ્રધાન રાહત ફંડ’માં નવ પૈસાનું દાન કર્યું હતું. ૯ પૈસાનો ચેક જમા કરાવતી વેળા અધિકારીઓએ આ નજીવી રકમ અંગે સ્પષ્ટતા માગતા તેણે લીટર પેટ્રોલના ભાવ ઘટાડાથી બચેલી રકમનું દાન કર્યું હોવાની સ્પષ્ટતા કરી હતી.
તેલંગાણાના સિર્સિલા જિલ્લામાં આવેલા ચંદ્રમપેટ ગામના ચંદુ ગૌડ (૩૮) તે દિવસે અધિકારીઓને મળ્યા હતા અને ‘વડા પ્રધાન રાહત નિધિ’માં નવ પૈસાનો ચેક જમા કરાવ્યો હતો. તે અંગે ગૌડે સ્પષ્ટતા કરી કે સળંગ ૧૬ દિવસથી પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો હતો અને પેટ્રોલના ભાવ ૬૩થી ૮૩ પહોંચાડયા બાદ હવે પૈસામાં તેનો ઘટાડો કરાયો છે. તેનાથી જે ૯ પૈસાની બચત થઈ તે મેં વડા પ્રધાનના ફંડમાં દાન કરી દેવા નિર્ણય કર્યો હતો. તે મુજબ આ દાન કરી રહ્યો છું.