નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારી પોતાનું જાળું વિસ્તારી રહી છે. ૩૦મી જૂનના અહેવાલો પ્રમાણે દેશમાં ૫૮૨૧૪૭ પોઝિટિવ કેસ છે. મૃતકાંક ૧૭૩૨૨ થયો છે અને રિકવર થયેલા લોકોની સંખ્યા ૭૫૭૪૬૨ હતી. આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે અનલોક-૨ની ગાઈડલાઈન જાહેર કરી હતી.
આ નવી ગાઈડલાઈન પ્રમાણે સ્કૂલ-કોલેજ ૩૧મી જુલાઈ સુધી બંધ રહેશે. આ ઉપરાંત એકમાંથી બીજા રાજ્યમાં જવા માટે મંજૂરી કે પાસની જરૂરિયાત પણ ખતમ કરી નાંખી છે. હવે રાતના નવ વાગ્યાના બદલે ૧૦ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી જ કર્ફ્યૂ રહેશે. સાર્વજનિક સ્થળોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટ્ન્સિંગના નિયમોનું પાલન પહેલાની જેમ જ કરવાનું રહેશે. જાહેર સ્થળોએ થૂંકવું અને દારૂ, પાન, ગુટકા, તમાકુ વગેરેનું સેવન કરવા પર પણ પ્રતિબંધ છે. અનલોક-૨ની આ ગાઈડલાઈન ૩૧મી જુલાઈ સુધી લાગુ રહેશે. લોકડાઉનના કડક નિયમો ફક્ત કન્ટેઈનમેન્ટ ઝોનમાં જ લાગુ રહેશે. હવે પાંચ પ્રકારના કામ પર પ્રતિબંધ, આ માટે અલગથી નિયમો જારી થશે. જોકે પાંચ રાજ્યો - મહારાષ્ટ્રમાં ૩૧મી જુલાઈ, નાગાલેન્ડમાં ૧૫મી જુલાઇ, આસામમાં ૧૨મી જુલાઈ, તામિલનાડુમાં પમી જુલાઈ અને મિઝોરમમાં પણ લોકડાઉન લંબાવવાની જાહેરાત સોમવારે જ કરાઈ હતી. દેશમાં કોરોનાના વધી રહેલા કેસ હાહાકાર મચાવી રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ અન્ય રાજ્યોમાં વતન પાછા ગયેલા પ્રવાસી મજૂરોનું હવે રિવર્સ માઈગ્રેશન થઈ રહ્યું છે. લોકડાઉન વખતે વતન ગયેલા ઉત્તર પ્રદેશના ૩૦ લાખ મજૂરો પૈકી હજારો મજૂરો હવે રોજગારીની શોધમાં પાછા ફરી રહ્યાં છે. તેથી ટ્રેન રિઝર્વેશન ફુલ થઈ રહ્યાં છે અને બસ સ્ટેશને ભીડ દેખાઈ રહી છે.
• આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા બંધ રહેશે. ગૃહ મંત્રાલયની મંજૂરી પછી જ પ્રવાસ થઈ શકશે.
• મેટ્રો રેલ તેમજ સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેઈન્મેન્ટ પાર્ક, બાર, ઓડિટોરિયમ વગેરે બંધ રહેશે.
• સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક આયોજનો અને વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ રહેશે.
• આ ગતિવિધિ ફરી શરૂ કરવાની તારીખ બાદમાં નક્કી કરાશે. એ માટે અલગથી ગાઈડલાઈન જાહેર કરાશે, જેથી વાઈરસનું સંક્રમણ કાબૂમાં રાખી શકાય.
• રાતનો કર્ફ્યૂ રહેશે. રાતે ૧૦થી સવારે ૫ વાગ્યા સુધી બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જોકે, જરૂરી કામ, ઔદ્યોગિક એકમોમાં ફરજ તેમજ રાષ્ટ્રીય-રાજ્યના હાઈવે પર અવરજવર, કાર્ગોનું લોડિંગ-અનલોડિંગ જેવા કામ થઈ શકશે. બસ, ટ્રેન કે વિમાનમાંથી ઉતર્યા પછી જે તે સ્થળે જતા લોકો માટે પણ કર્ફ્યૂમાં છૂટ રહેશે.
• લોકડાઉન ૩૧ જુલાઈ સુધી ફક્ત કન્ટેઈન્મેન્ટ ઝોનમાં લાગુ રહેશે. કન્ટેઈનમેન્ટ ઝોન જિલ્લા તંત્ર નક્કી કરશે. ચેપની ચેન તોડવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા નક્કી નિયમોનું પાલન કરાશે. કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ફક્ત જરૂરી પ્રવૃત્તિની છૂટ રહેશે. તેની અંદર અને બહાર લોકોની અવરજવરને નિયંત્રિત કરવા કડક પગલાં ભરાશે. ફક્ત ઈમરજન્સી મેડિકલ અને જરૂરી સેવાની છૂટ રહેશે. રાજ્ય સરકારો કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર વધુ કેસ મળવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં બફર ઝોન નક્કી કરી શકે છે. એ ઝોનમાં જિલ્લા તંત્ર જરૂર પ્રમાણે અંકુશ લાદી શકે છે.
• પેસેન્જર ટ્રેન, શ્રમિક સ્પેશિયલ ટ્રેન, ઘરેલુ વિમાન મુસાફરી, દેશથી બહાર ફસાયેલા ભારતીયોની વાપસી, અમુક વિશેષ લોકોનું વિદેશ જવું, વિદેશી નાગરિકોને બહાર મોકલવા, ભારતીય નાવિકોનું સાઈન ઓન-ઓફ એસઓપી પ્રમાણે રાબેતા મુજબનું રહેશે.
• ૬૫ વર્ષથી વધુ વયના વૃદ્ધો, બીમારીઓ સામે ઝઝૂમતાં લોકો, ગર્ભવતીઓ અને દસ વર્ષથી બાળકોને ખૂબ જ જરૂરી હોય તો જ ઘર બહાર જવાની સલાહ અપાઈ છે.
• એમ્પ્લોયરોને કાર્યસ્થળે આવનારા કર્મચારીઓના ફોનમાં આરોગ્ય સેતુ એપ ઈન્સ્ટોલ કરાવવાનું સુનિશ્ચિત કરવા કહેવાયું છે. આ સાથે જ જિલ્લા તંત્રને પણ લોકોને એપ ઈન્સ્ટૉલ કરાવવાની સલાહ અપાઈ છે. તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશ આ ગાઈડલાઈન્સનું પાલન સુનિશ્ચિત કરશે.