વન પર્સન કંપની માટે મંજૂરીઃ NRI પણ આ યોજના તળે ભારતમાં કંપની શરૂ કરી શકશે

Friday 05th February 2021 03:43 EST
 
 

નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે રજૂ કરેલાં કેન્દ્રીય બજેટમાં સ્ટાર્ટ-અપ અને વોકલ ફોર લોકલ પર વિશેષ ભાર મૂકતાં મહત્ત્વની જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશમાં હવે એક વ્યક્તિ કંપની (વન પર્સન કંપની - ઓપીસી) બનાવીને પોતાનો ધંધો-રોજગાર શરૂ કરી ઉદ્યોગ સાહસિક બની શકશે. મતલબ કે હવે એક વ્યકિતથી જ કંપની શરૂ થઇ શકશે.
આ સાથે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આ ઉદ્યોગ સાહસિક એનઆરઆઇ હશે તો પણ તેને આ જોગવાઇનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે હાલમાં એનઆરઆઇને ભારતીય કંપનીમાં માત્ર ડિરેક્ટર બનવાની જ છૂટ છે.
નાણા પ્રધાને ૨૦૨૧-૨૨ના બજેટમાં સ્ટાર્ટ-અપ અને વોકલ ફોર લોકલને ઉત્તેજન આપતાં જણાવ્યું કે, સ્ટાર્ટ-અપ શરૂ કરનાર ભારતીય નાગરિક હોય તે જરૂરી નથી. એનઆરઆઇ પણ આ જોગવાઇ અંતર્ગત લાભ લઇ શકે છે. તેમણે જણાવ્યું કે, આ માટે એનઆરઆઇની ભારતીય નાગરિક તરીકે રહેવાની મર્યાદા ૧૮૨ દિવસથી ઘટાડીને ૧૨૦ દિવસ સુધીની કરવામાં આવી છે.
નાણા પ્રધાને બિનનિવાસી ભારતીયોને ભારતમાં ઓપીસીનો લાભ આપવાની જાહેરાત કરતાં હવે દેશમાં વિદેશી મૂડીરોકાણ વધવાની શક્યતાઓ ઉજળી બની છે.
તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આનાથી એનઆરઆઈને ભારતીય બજારમાં પ્રવેશ કરવામાં પણ મદદ મળશે. સીતારમણે પ્રથમ પેપરલેસ કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે, સ્ટાર્ટ-અપ્સ માટે આ એક બહુ મોટી પ્રોત્સાહક યોજના સાબિત થશે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા રોજગારી વધારવા માટે સ્ટાર્ટ-અપને સતત પ્રોત્સાહન આપવામાં આવે છે. સરકારનું માનવું છે કે, સરકાર દ્વારા કે અન્ય કોઇ સ્થાપિત કંપની દ્વારા રોજગારીનું સર્જન થાય તેના કરતાં વધારે રોજગારીનું સર્જન સ્ટાર્ટ-અપ થકી થઇ શકે છે. સરકાર દ્વારા યુવાનોને જોબ સીકર નહીં પરતું જોબ ગીવર બનાવવા તરફ લઇ જવામાં આવી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter