ગાઝિયાબાદઃ ભારતની નામાંકિત સાઇકલ કંપની એટલાસ કંપનીએ આર્થિક તંગીને પગલે કારખાનું બંધ કરવાની જાહેરાત તાજેતરમાં કરી છે. કંપનીએ જણાવ્યું છે કે હવે તેની પાસે કારખાનું ચલાવવા માટેના નાણાં નથી. કંપનીએ પોતાના કર્મચારીઓને છૂટા કરવાની સૂચના આપી દીધી છે. વિશ્વ સાઇકલ દિવસે ૩જી જૂને જ એટલાસ સાઇકિલ્સ (હરિયાણા) લિમિટેડ આર્થિક કટોકટીને પગલે બંધ થઇ ગઇ છે. એટલાસ કંપનીનું કારખાનું ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલુ છે.
કંપનીએ પોતાના કર્મચારીઓને એક નોટિસ આપી છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીના વ્યવસ્થાપકો પાસે કારખાનું ચલાવવા માટે પૈસા ન હોવાથી કર્મચારીઓ અન્ય જગ્યાએ નોકરી શોધી લે.
નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે કંપની છેલ્લા ઘણા વર્ષોથી આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહી છે. કંપની પાસે ઉપલબ્ધ તમામ ફંડ ખર્ચી નાખ્યા છે. કંપની પાસે હવે કોઇ આવકના સ્ત્રોત બાકી રહ્યાં નથી. દૈનિક ખર્ચ માટે પણ કંપની પાસે નાણાં નથી.
આ નોટિસને પગલે કંપનીના કર્મચારીઓએ કંપનીના ગેટ પાસે જ દેખાવો કર્યા હતાં. પોલીસ તાત્કાલિક ત્યાં આવી પહોેચી હતી અને કર્મચારીઓને ત્યાંથી દૂર કરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો.