મુંબઈઃ એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં હવે ધીમે ધીમે સ્ફોટક માહિતી બહાર આવી રહી છે. એટીએસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ તમામ ઘટનાનો મુખ્ય સૂત્રધાર સચીન વાઝે હોવાનું જણાઈ રહ્યું છે. તેણે મનસુખ હિરેનને પોતાની સાથે કાવતરામાં જોડયો હતો અને પછી ભાંડો ફૂટી જવાની ભયથી તેણે હિરેનનો કાંટો કઢાવી નાંખ્યો હતો.
જાણકારોના મતે એનઆઈએ દ્વારા આ કેસની તપાસ હાથમાં લેવાયા બાદ વાઝે ગભરાઈ ગયો હશે અને હિરેન તેની પોલ ખોલી નાખે નહીં તે માટે તેની હત્યા કરાવી દીધી હશે. એટીએસે એમ પણ જણાવ્યું કે, આ કેસમાં અન્ય પોલીસ કર્મીઓની સંડોવણી હોવાની શંકા સેવાઈ રહી છે.
હોટેલના સીટીટીવી ફૂટેજ લેવાયા
બીજી તરફ આ કેસમાં હવે એનઆઈએની ટીમ સચીન વાઝેને લઈને ટ્રાઇડેન્ટ હોટેલ પહોંચી હતી. વાઝે અહીંયાં ૧૬થી ૨૦ ફેબ્રુઆરી સુધી રોકાયો હતો. એનઆઈએને શંકા છે કે, વાઝેએ અહીંયાં રોકાઈને જ બધું પ્લાનિંગ કર્યું હતું. એનઆઈએની ટીમ દ્વારા આ મુદ્દે હવે હોટેલના સ્ટાફની પૂછપરછ કરાઈ રહી છે તે ઉપરાંત અહીંયાંના સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવી રહ્યા છે.
ટૂંકમાં મોટો ઘટસ્ફોટ થઈ શકે છે
એનઆઈએના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કેસમાં આગામી બે દિવસમાં મોટો ખુલાસો થઈ શકે છે. એનઆઈએની ટીમમાં એવો ગણગણાટ છે કે, વિસ્ફોટક કેસમાં તમામ કડીઓ ગોઠવાઈ રહી છે. વાઝેની કસ્ટડી ૨૫ તારીખે પૂરી થઈ રહી છે. તે પહેલાં જ આ કેસમાં એનઆઈએ દ્વારા મોટાપાયે ઘટસ્ફોટ કરવામાં આવે તેવી પૂરતી શક્યતાઓ દેખાઈ રહી છે.