નવી દિલ્હીઃ યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરાને મોટા આંતરડામાં થયેલા ટયુમરની સારવાર માટે લંડન નહીં, પણ નેધરલેન્ડ અથવા અમેરિકા જવા સીબીઆઈની વિશેષ અદાલતે પરવાનગી આપી છે. રોબર્ટ વાડરાનો પાસપોર્ટ કોર્ટમાં જમા હોવાથી એ મેળવવા પણ વાડરાએ અરજી કરી હતી. કોર્ટે પાસપોર્ટ આપી દીધો છે. એવું માનવામાં આવે છે કે લંડનમાં રોબર્ટ વાડરાની બેનામી સંપત્તિ છે અને તેની તપાસ થઈ રહી હોવાથી તેને લંડન જવાની પરવાનગી આપવામાં આવી નથી.
અરજીમાં રોબર્ટ વાડરાએ કહ્યું હતું કે મારા મોટા આંતરડામાં ટયુમર છે. એની સારવાર માટે બ્રિટન અને બીજા બે દેશોમાં જવાની મને પરવાનગી આપવામાં આવે. તેણે કોર્ટમાં સર ગંગારામ હોસ્પિટલનું ર્સિટફિકેટ જમા કરાવ્યું હતું. વાડરાના વકીલ કે. ટી. એસ. તુલસીએ કોર્ટને કહ્યું હતું કે, મેડિકલ રિપોર્ટ મુજબ મોટા આંતરડામાં એક નાનું ટ્યુમર છે. તેઓ સેકન્ડ ઓપિનિયન માટે લંડન જવા ઈચ્છે છે. ઇડીએ આ અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે, રોબર્ટ વાડરા દેશ છોડીને ભાગી શકે છે. વાડરા વિરુદ્ધ તપાસ અંતિમ તબક્કામાં છે. પૂછપરછ માટે તેમની જરૂર પડશે. તેમના પર ગંભીર આરોપો છે. સારવાર તો એક બહાનું છે. તેઓ એવા દેશોની યાત્રા કરવા માગે છે જ્યાં તેમણે કાળું ધન છુપાવ્યું છે. આથી પરવાનગી આપવામાં ન આવે.
૭૦ કલાક પૂછપરછ
વાડરાએ એક ફેસબુક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તપાસ એજન્સીઓએ ૧૧ વાર બોલાવીને મારી ૭૦ કલાક પૂછપરછ કરી હતી. મને ન્યાયતંત્રમાં ભરોસો છે. જ્યાં સુધી મારા પર લગાવવામાં આવેલા આરોપો ખોટા સાબિત થતા નથી ત્યાં સુધી હું તપાસમાં સહયોગ આપીશ.


