નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૪માં વારાણસી બેઠક પરથી લોકસભા સીટ જીત્યા હતા. ભારતની આધ્યાત્મિક રાજધાની ગણાતા આ શહેરને હવે વૈશ્વિક રાજકીય ક્ષેત્રે સ્થાન અપાવવા માટે અહીં ૨૮ અને ૨૯મી માર્ચે આંતરરાષ્ટ્રીય કૂટનીતિની બેઠક જી 20 યોજાવાની છે. વારાણસીમાં યોજાનારી આ બેઠકની તૈયારીઓ હાલમાં જોરશોરથી ચાલી રહી છે. આ બેઠકમાં નાણાકીય આર્થિક નીતિના દિગ્ગજો વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ પર મંથન કરશે.
જી-૨૦ સભ્ય દેશોના પ્રતિનિધિઓ ઉપરાંત ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF), વર્લ્ડ બેન્ક, OECD અને એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB)ના અધિકારીઓ પણ આ હાઈપ્રોફાઇલ મેળામાં હાજરી આપશે. આમ, હિન્દુઓનાં પવિત્ર શહેર ગણાતા વારાણસીને એક નવા અવતારમાં જોવા મળશે.
છેલ્લા અઢી વર્ષથી વારાણસીના ઘાટની કાયપલટની કામગીરી ચાલી રહી છે. શહેરમાં સ્વચ્છ ભારત અભિયાનના વાસ્તવિક અમલીકરણ માટે ખુદ વડા પ્રધાન વ્યક્તિગત રીતે રસ લઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેઓ વારાણસીમાં ત્રણ દિવસ રોકાયા હતા. અગાઉ ભારતે આવી બેઠક લોકપ્રિય પ્રવાસન સ્થળ ગોવામાં યોજી હતી.


