વારાણસીમાં પુલ પર નાસભાગમાં ૨૫નાં મૃત્યુ

Wednesday 19th October 2016 08:47 EDT
 

વારાણસીઃ બાબા જયગુરુદેવના ભવ્ય સંમેલનમાં વારાણસી અને ચંદૌલીને જોડતાં ગંગા નદી પરના દોઢ કિમી લાંબા રાજઘાટ પુલ ઉપર ૧૫મીએ નાસાભાગ થવાથી ૨૫ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૬૦થી વધુ ઘવાયા છે. ૨૦ વર્ષ પછી બનારસમાં જયગુરુદેવનું ફરી ભવ્ય સંમેલન યોજાયું હતું. સંમેલન માટે ૩૦૦૦ની મેદની માટે મંજૂરી હતી અને ત્રણ લાખ લોકો પહોંચી ગયા હતા. આ દુર્ઘટના પછી પણ રેલી ચાલુ હતી. દુર્ઘટનાના સમયે પુલ પર ૧૫ હજાર લોકો હતા. ગરમી અને તરસથી લોકોને ચક્કર આવવા લાગ્યા ત્યારે એક મહિલાએ બૂમ પાડી કે, પુલ પડી રહ્યો છે અને નાસભાગ મચી થઈ ગઈ હતી.
ગુરુદેવ કહેતાઃ જે આવે છે તેને એક દિવસ મરવાનું છે...
ગુરુદેવની જયંતિના અવસરે ૨૦ વર્ષ બાદ આ સંમેલન યોજાયું હતું. ૧૫મીએ પ્રથમ દિવસ હતો. તેમાં માંસ અને મદિરાના સેવન વિરુદ્ધ પદયાત્રા યોજાઇ હતી. મોટાભાગના લોકો પગપાળા હતા. એકબાજુએથી વાહનો જતા હતા બીજી બાજુથી લોકોની ભીડ પુલ પર ચઢતી હતી. લગભગ પોણા વાગ્યે પુલ પરથી એક ટ્રેન પસાર થઇ અને પુલ હલવા લાગ્યો ત્યારે નાસભાગ મચી ગઇ. છતાં રેલી અટકી નહીં. એક છોકરીને સવાલ કર્યો કે આટલા લોકો મરી ગયા તેમ છતાં રેલી કેમ અટકી તો જવાબ મળ્યો કે ગુરુદેવ કહેતા કે જે આવે છે તેને મરવાનું જ છે. ચાર કલાક બાદ પુલ પર ફરી ‘માંસ-મદિરા પાપ છે’નો સૂત્રોચ્ચાર થતો હતો.
ઉલ્લેખનીય છે કે ૨૦૦૨માં જયગુરુદેવના નિધન પછી તેમના ઉત્તરાધિકારી બનવા વિવાદ થયો હતો. વિવાદનું કારણ ટ્રસ્ટની આશરે મિલકત રૂ. ૧૦ હજાર કરોડ મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter