વિજય માલ્યા સાથે હમણાં નાણાકીય લેવડદેવડ ન કરવીઃ સુપ્રીમ કોર્ટ

Tuesday 08th March 2016 06:52 EST
 
 

અનેક બેંકોના ડિફોલ્ટર લિકર કિંગ વિજય માલ્યાને સાતમી માર્ચે બેવડા ઝાટકા લાગ્યા હતા. ઈડીએ વિજય માલ્યા સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો, તો બીજી તરફ ડેબ્ટ રિકવરી ટ્રિબ્યૂનલે (ડીઆરટી) એસબીઆઈની પિટિશનના આધારે માલ્યાને તેના રૂ. ૫૧૫ કરોડ ઉપાડવાની મનાઈ ફરમાવી હતી. ડીઆરટીએ જણાવ્યું હતું કે, હાલમાં કેસ ચાલે છે અને માલ્યા પર જે દેવું છે તેના આધારે માલ્યાને મળેલી રકમ પર પહેલો અધિકાર એસબીઆઈનો છે. ઉલ્લેખનીય છે કે, ડિયાજીઓની માલિકી હેઠળની યુનાઈટેડ સ્પિરિટ લિમિટેડમાંથી ચેરમેનપદ છોડવા માટે માલ્યાને ૭.૫ કરોડ ડોલર એટલે કે અંદાજે રૂ. ૫૧૫ કરોડ મળ્યા હતા. ડીઆરટીએ આદેશ આપ્યો છે કે, એસબીઆઈ સાથેનો વિવાદ ઉકલશે નહીં ત્યાં સુધી માલ્યા આ રકમ ઉપાડી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે, માલ્યાને ઘણીબધી બેંકોએ લોન આપી છે. આ બેંકોની આગેવાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કરી રહી છે. એસબીઆઈએ જ લોન ભરપાઈ માટે બેંગલુરુ ડીઆરટીને અરજ કરી છે. કિંગફિશર માટે યુબી ગ્રૂપના ચેરમેન માલ્યાએ ૧૭ બેંકો પાસેથી રૂ. ૭,૮૦૦ કરોડની લોન લીધી છે, જેમાંથી રૂ. ૧,૬૦૦ કરોડની લોન ફક્ત એસબીઆઈની છે. એસબીઆઈએ બેંગલુરુ ડીઆરટીને કુલ ચાર અરજી કરી છે, જેમાં માલ્યાની ધરપકડ, તેમના પાસપોર્ટની જપ્તી, ઋણદાતાઓને તેમની રકમ પાછી આપવાનું સુનિશ્ચિત કરાવવું અને માલ્યાની દેશ-વિદેશમાં રહેલી તમામ સંપત્તિની જાણકારી સાર્વજનિક કરવાની માગ છે.

માલ્યા વિલફુલ ડિફોલ્ટર છે

ઓક્ટોબર ૨૦૧૪માં યુકો બેંકે માલ્યાની કંપની કિંગફિશરને વિલફુલ ડિફોલ્ટર માની નોટિસ મોકલી હતી. નવેમ્બર ૨૦૧૫માં એસબીઆઈએ વિજય માલ્યા સહિત કિંગફિશર અને યુબી હોલ્ડિંગ્સને વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યા હતા. આરબીઆઈની ગાઇડલાઇન્સ મુજબ, જે કામ માટે લોન અપાઈ હોય તેની જગ્યાએ તે લોન અન્ય ઉપયોગમાં લેવાય અથવા લોન ચૂકવવાની ક્ષમતા છતાં ન ચૂકવાય વિલફુલ તેને ડિફોલ્ટર જાહેર કરાય છે.

આગામી સુનાવણી ૨૮ માર્ચે

ડીઆરટીએ જણાવ્યું હતું કે, આ કેસમાં આગામી સુનાવણી ૨૮ માર્ચના રોજ થશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, એસબીઆઈની અરજી પર ચુકાદો ન આવે ત્યાં સુધી વિજય માલ્યા સાથે કોઈ નાણાકીય લેવડદેવડ કરવી નહીં. એસબીઆઈએ સુપ્રીમ કોર્ટને અરજી કરી જણાવ્યું હતું કે, તેમણે વિજય માલ્યાને વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યો છે, હવે જ્યારે તેને રૂ. ૫૧૫ કરોડ મળે છે તો તેના પર પહેલો અધિકાર બેંકનો હોવો જોઈએ. એસબીઆઈએ ત્રણ અરજી દાખલ કરી હતી, તેમાં એવું જણાવ્યું હતું કે, માલ્યાની ધરપકડ કરાય. તેનો પાસપોર્ટ જપ્ત કરાય અને તેની સંપૂર્ણ સંપત્તિની માહિતી સાર્વજનિક કરાય.

ઈડીએ ૯૦૦ કરોડનો કેસ નોંધ્યો

માલ્યાની આઈડીબીઆઈ બેંકની રૂ. ૯૦૦ કરોડથી વધુની લોન ડિફોલ્ટ થવાથી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે સોમવારે તેની સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. સીબીઆઈ તરફથી દાખલ કરાયેલા કેસ બાદ ઈડીએ માલ્યા સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. ઈડી તપાસ કરી રહી છે કે માલ્યાએ આ રકમ વિદેશ રોકાણ કર્યું છે કે તેને આ રકમ વિદેશ મોકલાવી કે નહીં? ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ ગયા વર્ષે માલ્યા સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter