બેંગલૂરુઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી છ કલાકની અંદર શનિવારે સવારે ફરી એક વખત ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝન (ઇસરો)ના વડા મથકે પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિજ્ઞાનીઓની હિંમત અને જુસ્સો પણ વધાર્યા હતા, અને ત્યાંના તણાવયુક્ત માહોલને હલકોફૂલકો પણ બનાવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, આ ઘટના પર કોઈ કવિએ કવિતા લખી હોત તો તેણે ‘ચંદ્રયાન ચંદ્રમા કો ગલે લગાને દોડ પડા...’ એવું કંઈક લખ્યું હોત. આમ કહીને તેમણે ઉમેર્યું હતું કે મને આપણા વિજ્ઞાનીઓ પર ગર્વ છે. તેમણે ભારતને હંમેશા ગૌરવાન્વિત કર્યું છે. આ સાહસની ક્ષણ છે. આપણે હજુ સાહસિક બનીશું. તમારી પાસે સંકલ્પ અને ઇચ્છાશક્તિ છે. વિજ્ઞાનમાં ક્યારેય નિષ્ફળતા હોતી જ નથી, ફક્ત પ્રયોગ અને પ્રયાસ જ હોય છે. દરેક પ્રયોગ જ્ઞાનના નવા બીજ વાવીને આવે છે, નવી શક્યતાઓનો પાયો નાંખીને આવે છે અને આપણને અસીમ સામર્થ્યનો અહેસાસ અપાવે છે.
વડા પ્રધાને કહ્યું હતું કે કે, આપણે ચંદ્રની સપાટીની બહુ જ નજીક પહોંચી ગયા. તમે જેટલા નજીક જઈ શકતા હતા, તેટલા ગયા. પ્રયાસ અને યાત્રા બન્ને મહત્ત્વની બાબત છે. સંપર્ક તૂટ્યા પછી મેં તમારી નિરાશા અને ભાવના અનુભવી. આપણને આપણી યાત્રામાં એક ઝટકો લાગ્યો છે, પરંતુ તેનાથી આપણા ઉત્સાહ અને જોશમાં કોઈ કમી નથી આવી. આજે ચંદ્ર પર પહોંચવાનો આપણો સંકલ્પ વધુ મજબૂત થયો છે. મોદીએ કહ્યું કે, આપણે નવા ક્ષેત્રો શોધવાના છે અને નવી જગ્યાએ જવાનું છે. આપણે પ્રયાસ કરીશું અને સફળતાની નવી ઊંચાઈઓ સર કરીશું. આજનો અનુભવ આપણને મજબૂત અને સારા ભવિષ્ય તરફ લઈ જશે.


