નવી દિલ્હીઃ યૌન ઉત્પીડન અને રેપનો ભોગ બનેલી મહિલાઓ માટે આપવીતી રજૂ કરવા સોશિયલ મીડિયાપર શરૂ કરાયેલી #Metoo movementથી દેશ વિદેશોમાં ખળભળાટ મચ્યા પછી હવે ભારતના બોલિવૂડ અને રાજકીય વર્તુળોમાં હાહાકાર મચાવી રહી છે. ભારતીય ફિલ્મ જગતના માંધાતાઓ પર અભિનેત્રીઓના જાતીય શોષણના આરોપો બાદ હવે વિદેશ રાજ્ય પ્રધાન એમ. જે. અકબર પર સિનિયર પત્રકાર અને એક સમયે એમ. જે. અકબરના જુનિયર તરીકે ફરજ બજાવતા પ્રિયા રામાણીએ જાતીય શોષણ કર્યાનો આરોપ મૂક્યો છે. અમેરિકામાં #Metoo અભિયાનમાં હાર્વે વિન્સ્ટન કાંડનો વિસ્ફોટ થયો તે સમયે જ પ્રિયા રામાણીએ એક ટ્વિટમાં એમ. જે. અકબર પર દોષારોપણ કર્યું હતું. પ્રિયા રામાણીએ એમ. જે. અકબર દ્વારા કરાતા જાતીય શોષણ પર સંખ્યાબંધ ટ્વિટ કર્યા હતાં. ઓક્ટોબર ૨૦૧૭માં એક મેગેઝિન આર્ટીકલમાં પણ રામાણીએ અકબર પર નામ લીધા વગર આરોપ મૂક્યો હતો. હવે તાજેતરમાં રામાણીએ કરેલા ટ્વિટ બાદ ઓછામાં ઓછી ૩ મહિલા પત્રકારોએ એમ. જે. અકબર પર જાતીય હેરાનગતિના આરોપ મૂક્યા છે. અકબર અગાઉ ધ ટેલિગ્રાફ, એશિયન એજ અને ધ સન્ડે ગાર્ડિયન જેવાં અખબારોના તંત્રી હતા.
એમ. જે. અકબર હાલ નાઇજીરિયાના પ્રવાસે હોવાથી તેમનો કોઈ પ્રતિભાવ મેળવી શકાયો નહોતો. તેમના બોસ ગણાતા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને સવાલ કરાયો હતો કે શું આટલા ગંભીર આરોપો માટે મહિલા હોવાના નાતે તેઓ અકબર સામે કોઈ પગલાં લેશે? પરંતુ તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું.