નવી દિલ્હી: ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI)એ જણાવ્યું છે કે, એનઆરઆઈ અને પીઆઈઓ માટે બેન્ક એકાઉન્ટ સાથે તથા અન્ય સેવાઓ સાથે આધાર નંબર જોડવો ફરજિયાત નથી. યુઆઈડીએઆઈએ વિવિધ એજન્સીઓને એનઆરઆઈ અને પીઆઈઓની સ્થિતિની પુષ્ટિ માટે એક વ્યવસ્થા ઊભી કરવાનો આદેશ આપ્યો છે. એજન્સીએ જણાવ્યું હતું કે, મની લોન્ડરિંગ એક્ટ ૨૦૧૭ અને આવકવેરા કાયદા અંતર્ગત આધારનાં નામાંકન માટે યોગ્ય છે તેવાં લોકોએ જ બેન્ક ખાતાં અને પાનને આધાર નંબર સાથે જોડવો ફરજિયાત છે.
યુઆઈડીએઆઈએ જણાવ્યું હતું કે, તમામ કેન્દ્રીય મંત્રાલયો, સરકારી વિભાગો, રાજ્ય સરકારો અને અન્ય એજન્સીઓએ ધ્યાન રાખવું જોઈએ કે દસ્તાવેજ તરીકે આધાર નંબર એવાં લોકો પાસે જ માગી શકાય જે આધાર અધિનિયમ અંતર્ગત તે મેળવવા પાત્ર બને છે. મોટાભાગના એનઆરઆઈ અને પીઆઈઓ તથા ઓસીઆઈ આધાર નંબર મેળવવા માટેની યોગ્યતા ધરાવતાં નથી.
યુઆઈડીએઆઈએ રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, લાભ અને સેવાઓ માટે આધાર જોડવા અથવા જમા કરાવવા સંબંધિત કાયદો, આધાર અધિનિયમ ૨૦૧૬ અનુસાર સ્થાનિક ભારતીયો પર લાગુ થાય છે. આધાર અધિનિયમ અંતર્ગત મોટાભાગના એનઆરઆઈ, પીઆઈઓ અને ઓસીઆઈ આધાર મેળવવા પાત્ર ઠરતાં નથી.
આ અગાઉ રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી હતી કે બેન્ક ખાતાઓ સાથે આધાર નંબર જોડવો ફરજિયાત છે. અમે આ અંગે કોઈ નિર્દેશ જારી કર્યો નથી, પરંતુ આ નિર્ણય ભારત સરકારનો છે.