વિધાનસભા પેટાચૂંટણીમાં ૧૦માંથી ૫ સીટ પર ભાજપની જીત

Wednesday 19th April 2017 11:01 EDT
 
 

નવી દિલ્હી: દેશનાં ૮ રાજ્યોની ૧૦ વિધાનસભાની સીટો માટે યોજાયેલી પેટાચૂંટણીનાં પરિણામો ૧૩મી એપ્રિલે જાહેર થયાં હતાં. તેમાં ૧૦માંથી પાંચ સીટ પર ભાજપનો વિજય થયો હતો જ્યારે કોંગ્રેસે કર્ણાટકની બે અને મધ્ય પ્રદેશની અટેર સીટ પર જીત હાંસલ કરીને કુલ ૩ બેઠકો કબજે કરી હતી. ઝારખંડમાં જેએમએમનો અને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનો એક-એક સીટ પર વિજય થયો હતો. ભાજપે હિમાચલ પ્રદેશની ભોરંજ, આસામની ધેમાજી, મધ્ય પ્રદેશની બાંધવગઢ, રાજસ્થાનની ધૌલપુર અને દિલ્હીની રાજૌરી ગાર્ડન સીટ પર વિજય મેળવ્યો હતો. મધ્ય પ્રદેશ, આસામ, રાજસ્થાન, કર્ણાટક, દિલ્હી, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ૯ એપ્રિલે મતદાન કરાયું હતું. શ્રીનગરની લોકસભાની સીટ હિંસક અને લોહિયાળ બન્યા પછી ત્યાં ૧૩મીએ ફરી મતદાન યોજાયું હતું. જેમાં ૩૮ મતદાનમથકો પર ફરી મતદાનમાં સાવ નજીવું એટલે કે ૨.૦૨ ટકા જેટલું નીચું અને નીરસ મતદાન થયું હતું.

કર્ણાટકની બંને સીટ કોંગ્રેસની

કર્ણાટકમાં નંજનગઢ અને ગુંદલુપેટ સીટ કોંગ્રેસને ફાળે ગઈ હતી. નંજનગઢમાં કે. એન. કેશવમૂર્તિએ ૨૧,૩૩૪ મતથી અને ગુંદલુપેટ પરથી એમ. સી. મોહનકુમારીએ ૧૦,૮૭૭ મતથી જીત મેળવી હતી.

મધ્ય પ્રદેશમાં અટેર પર કોંગ્રેસ

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસે અટેરની સીટ ભારે રસાકસી વચ્ચે બચાવી હતી. ભાજપને બાંધવગઢની સીટ મળી હતી જ્યારે કોંગ્રેસનો અટેર સીટ પર કોંગ્રેસના હેમંત કટારેનો ૮૫૭ મતથી વિજય થયો હતો.

હિમાચલની બોરજ પર ભાજપની જીત

હિમચાલમાં બોરજ સીટ પર ભાજપના ઉમેદવાર અનિલ ધીમાનનો ૨૪.૪૩૪ મતથી વિજય થયો હતો.

આસામમાં ભગવો લહેરાયો

આસામમાં ધેસાજી સીટ પર ભાજપે કબજો જમાવ્યો હતો. પાર્ટીના રાનોજ પેંગુએ ૯,૨૮૫ મતથી જીત હાંસલ કરી હતી.

રાજસ્થાનમાં ભાજપે મેદાન માર્યું

ધોલપુર સીટ પર ભાજપનાં શોભારાની કુશવાહનો વિજય થયો હતો. તેમણે કોંગ્રેસના બનવારીલાલ શર્માને ૩૮,૬૪૮ મતથી હરાવ્યા.

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ

ટીએમસીના ચંદ્રિમા ભટ્ટાચાર્યે ૪૨,૦૦૦ મતથી જીત નોંધાવી હતી. જોકે ભાજનું વોટશેરિંગ ૯ટકાથી વધરીને ૩૦ ટકા થયું હતું. ઝારકંડમાં લિટ્ટીપાડા સીટ પર જેએમએમના ઉમેદવાર સિમાનો મરાન્ડીનો વિજય થયો હતો.

‘આપ’ની કારમી હાર

દિલ્હીની રાજૌરી ગાર્ડન સીટની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હરજિતસિંહની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. આમ આદમી પાર્ટીના કેજરીવાલના અહીં વળતાં પાણી થયા હતા અને તેમને નામોશીભરી હારનો સામનો કરવો પડ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter