કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે સપા-બસપા ગઠબંધન અને કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો. અમિત શાહે દાવો કર્યો હતો કે ભાજપ ઉત્તર પ્રદેશની બધી બેઠકો પર વિજય મેળવશે. વિપક્ષની ટીકા કરતા તેમણે કહ્યું કે દેશમાં તેઓ પરિવર્તન કરવા નીકળ્યા છે. નીતિની ખબર નથી. નેતૃત્વની ખબર નથી. જરા કહો કે તમારા વડા પ્રધાનના ઉમેદવાર કોણ છે? ગઠબંધનમાંથી વડા પ્રધાનના ઉમેદવાર કોણ છે? શાહે ટીકા કરતા કહ્યું કે જો ગઠબંધનની સરકાર બનશે તો સોમવારે બહેનજી (માયાવતી), વડા પ્રધાન હશે, મંગળવારે અખિલેશજી, બુધવારે મમતાજી, ગુરુવારે શરદ પવારજી, શુક્રવારે દેવેગૌડા, શનિવારે સ્ટાલીન વડા પ્રધાન બની જશે અને રવિવારે દેશ રજા પર જતો રહેશે. બૂથ સ્તરના કાર્યકરોને સંબોધન કરતા અમિત શાહે કહ્યું કે કેન્દ્રની સરકારનો રસ્તો લખનઉથી પસાર થાય છે. ૨૦૧૪ના ચૂંટણી અભિયાનની શરૂઆત કાનપુરની વીરભૂમિથી જ થઈ હતી અને આજે પણ ૨૦૧૯ની ચૂંટણી માટે બૂથ અધ્યક્ષોનું પહેલું સંમેલન કાનપુરની જમીન પર થઈ રહ્યું છે.
ગઠબંધનના ચાર બી-બુઆ, બબુઆ, ભાઈ, બહેન
રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે ભાજપના ચાર બી છે, ‘બઢતા ભારત, બનતા ભારત’, પરંતુ ગઠબંધનના ચાર બી છે - ‘બુઆ, બબુઆ, બાઈ ઔર બહેન.’ ગઠબંધન ઈચ્છે છે સરકાર મજબૂર હોય, અમે મજબૂત સરકાર ઇચ્છીએ છીએ.
બિહાર, મહારાષ્ટ્રમાં ભાજપ પરેશાન
૧૬ રાજ્યોમાં એનડીએ સરકાર છે. તેમાંથી ૧૨માં ભાજપના મુખ્ય પ્રધાન છે. અન્ય ચાર રાજ્યો બિહારમાં જેડીયુ, મેઘાલયમાં એનપીપી, સિક્કીમમાં એસડીએફ અને નાગાલેન્ડમાં એનડીપીપીના મુખ્ય પ્રધાન છે. બિહારમાં સહયોગી આરજેપીલ અને મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપ માટે માથાનો દુઃખાવો રહ્યા છે.
ભાજપનું પૂર્વોત્તરની ૨૫ લોકસભા બેઠકો પર ફોકસ
લોકસભા ચૂંટણીની દૃષ્ટિએ ભાજપનું પૂર્વોત્તરની બધી ૨૫ બેઠકો પર ફોકસ છે. અહીં ભાજપ અને કોંગ્રેસ પાસે ૮-૮ અને અન્યો પાસે ૯ બેઠકો છે. પૂર્વોત્તરમાં ભાજપ પાસે જમીની સ્તર પર કાર્યકરોની અછત છે. અસમ મારફત ભાજપે પૂર્વોત્તરમાં વિજયનો રસ્તો ખોલ્યો હતો. ભાજપે ૨૦૧૪માં અહીંની ૧૪ બેઠકોમાંથી ૭ બેઠકો જીતી હતી. જોકે પૂર્વોત્તરના પક્ષો નાગરિક બિલ મુદ્દે ભાજપથી નિરાશ દેખાઈ રહ્યાં છે.


