નવી દિલ્હીઃ લોકસભામાં તાજેતરમાં ફરી વિવાદાસ્પદ ટ્રિપલ તલાક બિલને પાસ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ, ડીએમકે, એનસીપી તેમજ ટીએમસી એ બિલનો વિરોધ કરીને વોટિંગ વખતે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. ટીએમસી અને સરકારનાં સાથીપક્ષ જેડીયુ દ્વારા પણ ગૃહમાંથી વોકઆઉટ કરવામાં આવ્યો હતો. ૨૫મીએ કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ દ્વારા તેને ફરી એકવાર ચર્ચા માટે ગૃહમાં રજૂ કરાયું હતું જ્યાં વિપક્ષી સાંસદો સાથે તીખી ચર્ચા વચ્ચે તેને ૩૦૩ વિરુદ્ધ ૮૨ મતથી પાસ કરવામાં આવ્યું હતું. હવે રાજ્યસભામાં તેને પસાર કરાવવા સરકારે એડીચોટીનું જોર લગાવવા નક્કી કર્યું હતું. આ માટે સંસદ સત્રને ૭ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું છે.
રાજ્યસભામાં સરકાર પાસે બહુમતીથી પસાર કરાવવા ૧૨૩નું સંખ્યાબળ જોઈએ છે, પણ તેની પાસે ૧૧૧નું સંખ્યા બળ છે આથી તેને પસાર કરાવવા અન્ય પક્ષનાં સાંસદોનો ટેકો મેળવવો પડશે. મોદી સરકારનાં પહેલા શાસનકાળમાં તેને લોકસભામાં બે વખત પાસ કરાયું હતું, પણ બહુમતીનાં અભાવે રાજ્યસભામાં તે અટકી ગયું હતું. આ પછી નવી લોકસભા રચાયા પહેલા તેને કાયદો બનાવવા વટહુકમ બહાર પડાયો હતો. નવી લોકસભા રચાયા પછી ૬ મહિનામાં બિલને ફરી સંસદમાંપાસ કરાવવું જરૂરી હોવાથી સરકાર દ્વારા તેને ફરી લોકસભા અને રાજ્યસભામાં પાસ કરાવાશે.