વિપ્રોના અઝિમ પ્રેમજી ૭૪ વર્ષે નિવૃત્ત થશેઃ ૧,૭૬,૨૨૮ કરોડનું ગ્રૂપ રિશાદ સંભાળશે

Wednesday 26th June 2019 06:12 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતના બીજા નંબરના સૌથી ધનવાન ઉદ્યોગપતિ વિપ્રો ગ્રૂપના સ્થાપક અને ચેરમેન અઝિમ પ્રેમજીએ ૫૩ વર્ષ સુધી કંપનીનું સુકાન સંભાળ્યા બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. તેઓ આવતા મહિને ૩૦ જુલાઈએ એક્ઝિક્યુટિવ ચેરમેનના હોદ્દા પરથી નિવૃત્ત થશે. એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે તેમના મોટા પુત્ર રિશાદ પ્રેમજી વિપ્રોનું સુકાન સંભાળશે. જ્યારે પ્રેમજી નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ફાઉન્ડર ચેરમેન તરીકે કંપની સાથે જોડાયેલા રહેશે. ઉલ્લેખનીય છે કે રિશાદ પ્રેમજી ચીફ સ્ટ્રેટેજી ઓફિસર અને બોર્ડ મેમ્બર તરીકે કાર્યભાર સંભાળે છે. અઝિમ પ્રેમજીએ ૫૩ વર્ષના કાર્યકાળ દરમિયાન પિતાની વેજિટેબલ ઓઇલ બનાવનારી કંપનીથી લઈને ભારતમાં ત્રીજા નંબરની સોફ્ટવેર કંપની સુધીની સફર નિહાળી છે.
અઝિમ પ્રેમજીની આ સફર ૧૯૯૬માં શરૂ થઈ હતી, જ્યારે પિતાના નિધનના કારણે ૨૧ વર્ષની ઉંમરે તેમને સ્ટેનફર્ડ યુનિવર્સિટીનો એન્જિનિયરિંગનો અભ્યાસ છોડીને બિઝનેસ સંભાળવો પડ્યો હતો. તે સમયે રૂ. ૧૩.૮૫ કરોડનો વેપાર કરનારી કંપનીમાં પ્રેમજીએ સાબુ અને ટ્યૂબલાઈટ જેવી ચીજોનું ઉત્પાદન શરૂ કર્યું હતું. ૧૯૭૭માં તેમણે કંપનીનું નામ બદલી વિપ્રો કર્યું. ૧૯૭૯માં ભારત સરકારે આઈબીએમને દેશ છોડવાનું કહ્યું ત્યારે તેમણે કમ્પ્યુટર બિઝનેસમાં ઝંપલાવ્યું. આ પછી તેમણે વિદેશી કંપનીની ભાગીદારીથી ૧૯૮૧માં પહેલી વાર ૧૬ બિટ-મલ્ટી ટાસ્કિંગ કમ્પ્યુટર લોન્ચ કર્યું. આ પછી સોફ્ટવેર ડેવલપમેન્ટમાં પણ નવા મુકામ હાંસલ કર્યા.
જે સમયે ભારતમાં ફેક્ટરી ઘરેલુ ઉત્પાદનો બનાવતી હતી ત્યારે પ્રેમજીએ વિપ્રોને આઈટી પાવર હાઉસમાં પરિવર્તિત નાંખી હતી અને આંતરરાષ્ટ્રીય બજારમાં જગ્યા મેળવી હતી. આજે વિપ્રો આઈટી, બીપીઓ, કન્ઝ્યુમર ગુડ્સ, પ્રીસિઝન એન્જિનિયરિંગ, હેલ્થકેર સિસ્ટમ ક્ષેત્રે ૫૮ દેશમાં બિઝનેસ કરી રહી છે. પ્રેમજીએ ૧૯૮૬માં કંપનીમાં ઓડિટ કમિટી રચી હતી, જ્યારે તે કાયદાકીય રીતે જરૂરી ન હતું. આજે વિપ્રો ગ્રૂપનું માર્કેટકેપ રૂ. ૧,૭૬,૨૨૮ કરોડ છે. વિપ્રોની સોફ્ટવેર કંપની ભારતમાં આઉટસોર્સિંગનું કામ લેનારી ત્રીજી મોટી કંપની છે.

રૂ. ૧.૪ લાખ કરોડનું દાન

અઝિમ પ્રેમજી ભારતના સૌથી મોટા દાનવીરોમાં સામેલ છે. માર્ચમાં કંપનીના રૂ. ૫૨,૭૫૦ કરોડ શેર દાન કરી દીધા હતા. અત્યાર સુધીમાં તેઓ રૂ. ૧.૪ લાખ કરોડનું દાન કરી ચૂક્યા છે. પ્રેમજીએ ૨૦૦૧માં અઝિમ પ્રેમજી ફાઉન્ડેશન શરૂ કર્યું હતું. શિક્ષણમાં સુધારો કરવા ૭ રાજ્યોમાં ૩.૫ લાખ સ્કૂલો સાથે આ ફાઉન્ડેશન સંકળાયેલું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter