વિરુષ્કાના ઘરે લક્ષ્મીજી પધાર્યા

Wednesday 13th January 2021 06:06 EST
 
 

નવી દિલ્હીઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગની જાણીતી એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીના ઘરે પારણું બંધાયું છે. આ દંપતી દીકરીના પેરેન્ટ્સ બન્યા છે. વિરાટે સોમવારે ટ્વિટર પર આ ગુડ ન્યૂઝ આપ્યા હતા.
વિરાટે ટ્વિટ કર્યું હતું કે, ‘અમને બંનેને એ જણાવતા અત્યંત ખુશી થઈ રહી છે કે, સોમવારે બપોરે અમારે ત્યાં દીકરી જન્મી છે. તમારા પ્રેમ, પ્રાર્થના અને શુભેચ્છાઓ બદલ તમારા દિલથી આભારી છીએ. અનુષ્કા અને અમારી દીકરી બંને બિલકુલ તંદુરસ્ત છે. અમારી લાઇફમાં આ નવું પ્રકરણ શરૂ કરતાં અમે ભાગ્યશાળીથી પણ વિશેષ ફીલ કરી રહ્યા છીએ. અમને આશા છે કે, તમે આ સમયે અમારી પ્રાઇવસીને રિસ્પેક્ટ આપશો.’
અનુષ્કા અને વિરાટે ગયા વર્ષે ઓગસ્ટમાં જાહેર કર્યું હતું કે, તેઓ બાળકને એક્સપેક્ટ કરી રહ્યા છે. તેમણે તે સમયે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર લખ્યું હતું કે, ‘અને એ પછી અમે ત્રણ જણા. જાન્યુઆરી, ૨૦૨૧માં આગમન.’
અનુષ્કા અને વિરાટે વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ ૨૦૧૭માં ઇટાલીમાં મેરેજ કર્યા હતા. સોમવારે આ કપલને ત્યાં દીકરી અવતરી હોવાના ન્યૂઝ આવતાં જ સોશિયલ મીડિયા પર અનુષ્કા અને વિરાટના ફેન્સ તેમને કોંગ્રેચ્યુલેશનના મેસેજીસ મોકલવા
લાગ્યા હતા.

શીર્ષાસનનો વિવાદ

પ્રેગ્નન્સી દરમિયાન વિરાટે અનુષ્કાનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો હતો. તેના અને અનુષ્કાના એક ફોટોગ્રાફની પણ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી. જેમાં વિરાટ અનુષ્કાને શીર્ષાસન કરવામાં મદદ કરતો જોવા મળ્યો હતો. જે બદલ સોશિયલ મીડિયા પર તેમની ટીકા પણ થઈ હતી. કેમ કે, અનુષ્કાએ તો ડોક્ટરની દેખરેખ હેઠળ શીર્ષાસન કર્યું હતું, પરંતુ તેને જોઈને અન્ય પ્રેગ્નન્ટ લેડીઝ એમ કરવા લાગે તો તેઓ જોખમમાં મુકાઈ
શકે છે.

પ્રિ-મેટર્નિટી ફોટોશૂટ

અનુષ્કાએ પ્રેગ્નન્સીમાં એક મેગેઝિન માટે કરેલા પ્રિ-મેટર્નિટી ફોટોશૂટના ફોટોઝ પણ વાઇરલ થયા હતા. આ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે પેરેન્ટહુડ વિશે પણ જણાવ્યું હતું.

શુભેચ્છાનો વરસાદ

શોબિઝનેસ અને ક્રિકેટ જગતની અનેક સેલિબ્રિટીઝે આ કપલને શુભેચ્છાઓ પાઠવી હતી. દીયા મિર્ઝાએ લખ્યું હતું કે, ‘કેટલા વન્ડરફુલ ન્યૂઝ.’ બિપાશા બાસુએ લખ્યું હતું કે, ‘કોંગ્રેચ્યુલેશન્સ, લિટલ બેબી એન્જેલને ભગવાનના આશીર્વાદ.’ શ્રેયા ઘોષાલે પણ કોંગ્રેચ્યુલેટ કરતાં લખ્યું હતું કે, ‘આ બ્યૂટિફુલ ફેમિલીને ભગવાનના આશીર્વાદ મળે.’ માધુરી દીક્ષિત-નેનેએ આ કપલને લખ્યું હતું કે, ‘કોંગ્રેચ્યુલેશન્સ, ભગવાન તમને અને તમારી દીકરી પર તેની આશીર્વાદ વરસાવે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter