નંદાદેવી નેશનલ પાર્કથી નીકળતી ઋષિગંગા નદી અને ધૌલીગંગા નદીના સંગમ સ્થળે રૈની ગામ નજીક ઋષિગંગા નદી ઉપર એક હાઈડ્રો પાવર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેને ઋષિગંગા પાવર પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું છે. અહીંયા પાણીની મદદથી વીજળી ઉત્પાદન થતું હતું. સ્થાનિક લોકો દ્વારા પ્રોજેક્ટની સ્થાપના વેળા જ વિરોધ કરાયો હતો. એટલું જ નહીં, પર્યાવરણવિદોએ પણ આ પાવર પ્લાન્ટની સ્થાપના સામે ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું કે આનાથી ભવિષ્યમાં ભારે નુકસાન થઇ શકે તેમ છે. જોકે પ્રચંડ વિરોધ છતાં અહીંયા પ્રોજેક્ટ સ્થાપીને વીજ ઉત્પાદન શરૂ કરી દેવાયું હતું. અહીંયા આ પ્રોજેક્ટ દ્વારા ૬૩,૫૨૦ મેગાવોટ વીજ ઉત્પાદનનું લક્ષ્ય મૂકવામાં આવ્યું હતું.
નંદાદેવી ગ્લેશિયર
નંદાદેવી ગ્લેશિયર ભારતમાં બીજા ક્રમના સૌથી ઊંચા પર્વતનો હિસ્સો છે. કાંચનજંઘા શિખર ભારત અને નેપાળની સરહદ પર આવેલું છે તેથી આમ તો નંદાદેવી ગ્લેશિયર ભારતનું સૌથી ઊંચું ગ્લેશિયર છે. વિશ્વમાં સૌથી ઊંચાં શિખરોમાં તેનું સ્થાન ૨૩મું છે. ઉત્તરબેઝ પર ઉત્તરી નંદાદેવી ગ્લેશિયર છે. આ ગ્લેશિયરો સંપૂર્ણ બરફથી ઢંકાયેલાં છે.
પૂરથી ભારે નુકસાન
ઋષિગંગા પાવર પ્રોજેક્ટ દ્વારા ઉત્તરાખંડ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોની વીજળી પૂરી પાડવાની યોજના હતી. ભયાનક પૂરમાં આ પ્રોજેક્ટ લગભગ તહસનહસ થઇ ગયો છે.


