વિવિધ દેશો સાઉથ આફ્રિકા પર પ્રતિબંધ લાદી રહ્યા છે ત્યારે ભારત ઓમિક્રોન-પીડિત આફ્રિકન દેશોની વહારે

Wednesday 01st December 2021 05:10 EST
 
 

વોશિંગ્ટન: કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના અનેક કેસો વિશ્વના વિવિધ દેશોમાં જોવા મળી રહ્યા છે. જેને પગલે હવે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ વેરિયન્ટને વિશ્વ માટે ખતરો ગણાવ્યા છે અને દેશોને સાવચેત રહેવાની સલાહ આપી છે. જોકે કોરોનાના આ નવા વેરિયન્ટથી કોઇ મોત થયું હોવાનું સામે નથી આવ્યું પણ તે અનેક દેશોમાં ફેલાઇ ચુક્યો છે. પરિણામે હવે સાવચેત રહેવા વિવિધ દેશો દ્વારા આંતરરાષ્ટ્રીય ટ્રાવેલિંગ પર પ્રતિબંધો મુકાઇ રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ આર્થિક શક્તિશાળી દેશો દ્વારા સાઉથ આફ્રિકા પર મૂકાઇ રહેલા પ્રતિબંધોની ટીકા કરી છે.
તો બીજી તરફ, ભારતે ઓમિક્રોન વેરિયન્ટની લપેટમાં આવી ગયેલા આફ્રિકન દેશોને મદદરૂપ થવા તૈયારી દર્શાવી છે. ભારત સરકારે સોમવારે અસરગ્રસ્ત આફ્રિકન દેશોને વેક્સિન, જીવનરક્ષક દવાઓ, ટેસ્ટ કિટ, મેડિકલ ઇક્વિપમેન્ટ સહિત તમામ પ્રકારે સહાયરૂપ થવાની જાહેરાત કરી છે. વયસ્કોને ઓમિક્રોનથી બચાવવા માટે બૂસ્ટર આપવાનું આયોજન કરી રહેલી ભારત સરકારના આ અભિગમની પ્રશંસા થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે જાપાને જાહેરાત કરી છે કે વિદેશથી આવનારાઓના પ્રવેશ પર તે પ્રતિબંધ મુકશે. પોર્ટુગિઝ પણ પ્રતિબંધો અંગે વિચારી રહ્યું છે. અમેરિકાએ દક્ષિણ આફ્રિકાથી આવનારાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે.
ઇઝરાયેલે પણ સોમવારથી બધી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી દીધી અને વિદેશથી આવનારાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે. જે દેશોમાં વધુ કેસો સામે આવ્યા છે તેમાં નેધર્લેન્ડમાં ૧૩, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ બે કેસો નોંધાયા છે. બ્રિટનમાં પણ નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે. અહીં નવા વેરિયન્ટના વધુ બે કેસો સામે આવ્યા છે અને કુલ કેસોની સંખ્યા નવ પર પહોંચી છે. સ્કોટલેન્ડમાં પણ નવા એમિક્રોન વેરિઅન્ટના ૬ કેસો નોંધાયા છે. ફ્રાંસમાં નવા વેરિઅન્ટના આઠ શંકાસ્પદોનો લેબ ટેસ્ટ થઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં પણ પાંચમો કેસ નોંધાયો છે. હાલ દક્ષિણ આફ્રિકાથી આવતા અને જતા લોકો પર આશરે ૨૦થી વધુ દેશોએ પ્રતિબંધ મુક્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા કોરોનાના નવા વેરિઅન્ટને લઇને અલગ અલગ નિવેદનો આપી રહ્યું છે.

ભારતમાં ઓમિક્રોન ફેલાવાનું જોખમ કેટલું છે?
ભારતે માર્ચ ૨૦૨૦ માં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ ભારતીય નાગરિકોને વિદેશ મોકલવા અથવા ભારત પાછા લાવવા માટે, વિદેશ મંત્રાલયે ‘એર બબલ’ હેઠળ ફ્લાઇટ્સ ચલાવવા માટે કેટલાક દેશો સાથે જોડાણ કર્યું છે. આ કરાર હેઠળ, ભારત સંપૂર્ણ સાવચેતી સાથે વિશ્વના કેટલાક મહત્ત્વપૂર્ણ દેશોની ફ્લાઈટ્સની અવરજવરને સુનિશ્ચિત કરે છે. હાલમાં ભારતના ૩૧ દેશો સાથે એર બબલ કરાર છે. એટલે કે આ દેશોના લોકો ભારતમાં આવીને જઈ શકે છે. જે દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટ મળી આવ્યો છે, તેમાંથી ભારતે એર બબલ હેઠળ તેની ઉડ્ડયન સેવાઓ ચાલુ રાખવા માટે ત્રણ દેશો સાથે કરાર કર્યા છે. આ દેશો બ્રિટન, જર્મની અને નેધરલેન્ડ છે. આવી સ્થિતિમાં ભારતથી આ ત્રણ દેશોની ફ્લાઈટ પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે ૧૫ ડિસેમ્બરથી તમામ દેશો સાથે ફ્લાઈટ સેવા પુનઃસ્થાપિત કરશે, પરંતુ વડા પ્રધાન મોદીએ એક દિવસ પહેલાં કોરોના પર ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ નિર્ણય પર પુનર્વિચાર કરવાનું કહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter