નવી દિલ્હી: વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાનાં એકચક્રી સામ્રાજ્યનો ૧૪મી એપ્રિલે અંત આવ્યો હતો. વીએચપીમાં ૫૪ વર્ષ પછી યોજાયેલી ચૂંટણીમાં પ્રવીણ તોગડિયાના વફાદાર ગણાતા રાઘવ રેડ્ડીનો કારમો પરાજય થતાં તોગડિયાએ વિશ્વ હિંદુ પરિષદ સાથેનો નાતો તોડીને તેમાંથી અણઘારી વિદાય લીધી છે.
ગુરુગ્રામમાં યોજાયેલી ચૂંટણીમાં વિશ્વ હિંદુ પરિષદના નવા અધ્યક્ષ તરીકે હિમાચલ પ્રદેશના પૂર્વ ગવર્નર વિષ્ણુ સદાશિવ કોકજે જીત્યા છે. તેમણે નવી નીતિઓની જાહેરાત પણ કરી દીધી છે. વીએચપીનાં બંધારણ મુજબ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ જ કાર્યકારી પ્રમુખ, વાઇસ પ્રેસિડેન્ટ અને જનરલ સેક્રેટરીની નિયુક્તિ કરે છે. આમ વીએચપીમાં તોગડિયા યુગનો અંત આવ્યો છે.
વિષ્ણુ કોકજેને ૧૯૨માંથી ૧૩૧ મત
વીએચપીમાં ૫૪ વર્ષ પછી મતદાન યોજાયું હતું, જેમાં ઇન્ટરનેશનલ અધ્યક્ષ ચૂંટવા માટે ૨૭૩માંથી ૧૯૨ પ્રતિનિધિઓએ મતદાન કર્યું હતું, જેમાં વિષ્ણુ કોકજેને ૧૯૨માંથી ૧૩૧ વોટ મળ્યા હતા અને તોગડિયાના વફાદાર રાઘવ રેડ્ડીને ૬૦ મત મળ્યા હતા. એક મત રદ થયો હતો. ચૂંટણીપ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરાયું હતું.