વિશ્વના અમીર શહેરોમાં મુંબઈ ૨૧મા સ્થાને

Friday 03rd March 2017 05:33 EST
 
 

મુંબઈ: વિશ્વના સૌથી અમીર દેશોની યાદી ધરાવતો સિટી વેલ્થ ઇન્ડેક્સ રિપોર્ટ બીજી માર્ચે બહાર પાડવામાં આવ્યો હતો. નાઇટ ફ્રેંક વેલ્થ રિપોર્ટ ૨૦૧૭ મુજબ દુનિયાનાં સૌથી અમીર શહેરોમાં મુંબઈને ૨૧મું સ્થાન અપાયું હતું. દેશની રાજધાની દિલ્હીને આ યાદીમાં ૩૫મું સ્થાન મળ્યું છે. અમીર શહેરોના મામલે મુંબઈએ ટોરોન્ટો, વોશિંગ્ટન ડીસી અને મોસ્કો જેવાં શહેરોને પાછળ છોડયાં છે જ્યારે દિલ્હીએ બેંકોક, સિએટલ અને જાકાર્તા જેવાં શહેરોને પાછળ છોડીને ૩૫મું સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સિટી વેલ્થ ઇન્ડેક્સમાં ૮૯ દેશોના ૧૨૫થી વધુ શહેરોમાં રહેતાં સુપરરિચ લોકોની લાઇફસ્ટાઇલને ધ્યાનમાં રાખીને રિપોર્ટ તૈયાર થયો છે. આ વર્ષે બહાર પડાયેલા રિપોર્ટમાં દુનિયાનાં ૯૦૦ પ્રાઇવેટ બેંકર અને વેલ્થ એડ્વાઇઝર્સને સરવેમાં સામેલ કરાયા હતા. એક આંકડા મુજબ દર વર્ષે મુંબઈના લખપતિ લોકોમાં ૧,૦૦૦નો ઉમેરો થશે.

મુંબઈમાં ૧,૩૦૦થી વધુની રૂ. ૨૦૦ કરોડથી વધુ સંપત્તિ

આ રિપોર્ટ મુજબ ભારતમાં ધનવાનોની સંખ્યામાં ૨૯૦ ટકાનો વધારો થયો છે. છેલ્લા એક દશકમાં અલ્ટ્રા-હાઈ નેટવર્થ ઇન્ડિવિડયુઅલ્સ એટલે કે જેમની સંપત્તિ ૨૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે છે તેવા લોકોની સંખ્યામાં ભારતમાં ૨૯૦ ટકાનો વધારો થયો છે. નોંધનીય છે કે એકલા મુંબઈમાં જ આવા ૧,૩૪૦ શ્રીમંતો છે જેમની સંપત્તિ ૨૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ છે. દિલ્હીમાં ૬૮૦, કોલકતામાં ૨૮૦ અને હૈદરાબાદમાં ૨૬૦ લોકોની સંપત્તિ રૂ. ૨૦૦ કરોડથી વધુ છે. ફ્યુચર વેલ્થના મામલામાં દુનિયાનાં ૪૦ લોકોની યાદીમાં મુંબઈને ૧૧મું સ્થાન આપવામાં આવ્યું હતું. આ યાદીમાં મુંબઈ શિકાગો, સિડની, પેરિસ, સિઓલ અને દુબઇથી આગળ છે.

૨૭ ટકા ધનવાનોને વાઇન, ક્લાસિક કાર અને કળામાં રસ

આવતાં બે વર્ષમાં ભારતના અમીરો ૪૦ ટકા રોકાણ ભારતમાં પ્રોપર્ટી ખરીદીને અને ૨૫ ટકા રોકાણ વિદેશમાં પ્રોપર્ટી ખરીદીને કરશે એમ રિપોર્ટમાં જણાવાયું હતું. ભારતનાં ૨૭ ટકા સુપર રિચ લોકો આર્ટ, વાઇન અને ક્લાસિક કારમાં રસ ધરાવતાં હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું. ૨૦૧૫ અને ૨૦૧૬ની વચ્ચે ભારતમાં અલ્ટ્રા હાઈ નેટવર્થ ઇન્ડિવિડયુઅલ્સની સંખ્યામાં ૧૨ ટકાનો વધારો થયો છે જ્યારે છેલ્લા એક દશકમાં આ ટકાવારી ૨૯૦ની રહી છે. અમીરોની સંખ્યામાં વધારો થવાની દૃષ્ટિએ ભારતનો ક્રમાંક છઠ્ઠો છે. આવતા એક દાયકામાં ભારત આ મામલે ત્રીજા ક્રમાંકે આવી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter