મેંગલુરુઃ શહેરના ડો. સંધ્યા શેનોયે દુનિયા સમક્ષ ભારતનું નામ ફરી એકવાર રોશન કર્યું છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી ‘સાયન્સ-વાઇડ ઓથર ડેટાબેઝીસ ઓફ સેન્ટ્રલાઇઝ્ડ સાઇટેશન ઇન્ડિકેટર્સ રિપોર્ટ’માં તેમને વિશ્વના ટોચના બે ટકા વૈજ્ઞાનિકોની યાદીમાં સ્થાન મળ્યું છે. ખાસ વાત એ છે કે ડો. શેનોયે સતત ત્રીજા વર્ષે આ પ્રતિષ્ઠિત રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે. મેંગલુરુની શ્રીનિવાસ યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટયુટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં પ્રોફેસર અને પ્રિન્સિપાલ રિસર્ચ સાયન્ટિસ્ટ ડો. સંધ્યા શેનોયનું સંશોધન ક્ષેત્ર થર્મોઇલેક્ટ્રિક અને એનર્જી મટિરિયલ્સ છે. મતલબ કે એવું વિજ્ઞાન જે નકામી નીકળતી ઉષ્મા (હીટ વેસ્ટ)ને વીજળીમાં બદલી શકે છે.
સેંકડો સાયન્સ રેફન્સમાં નામ
ડો. સંધ્યા શેનોયના નામે અત્યાર સુધીમાં 67થી વધુ આંતરરાષ્ટ્રીય સંશોધન પ્રકાશનો છે અને હજારો વૈજ્ઞાનિક સંદર્ભોમાં તેમના કામની નોંધ લેવાઇ છે. તેમણે મેંગલુરુ યુનિવર્સિટીમાંથી બીએસસી, એનઆઈટી-કર્ણાટકમાંથી એમએસસી (કેમેસ્ટ્રી) અને 2013માં પીએચડી પૂર્ણ કર્યું છે. આ પછી તેમણે જવાહરલાલ નેહરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચમાં પોસ્ટ ડોક્ટોરલ રિસર્ચ કર્યું હતું. ડો. સંધ્યા ડીએસટી ઇન્સ્પાયર ફેકલ્ટી તરીકે અનેક રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કરી રહ્યાં છે.