વિશ્વના ધનાઢયો ટેક્સ બચાવવા વર્ષે ૮ ટ્રિલિયન ડોલર વિદેશોમાં છુપાવે છે

Wednesday 08th November 2017 06:45 EST
 
 

ન્યૂ યોર્ક: ટેકસ બચાવવા વિશ્વના વગદારોના ગોરખધંધાઓનો પેરેડાઇઝ પેપર્સમાં વધુ એક ખુલાસો થયો છે. પનામા પેપર્સ પ્રકારના આ નવા પર્દાફાશમાં ૧૮૦થી પણ વધુ દેશોના વગદારોની સંડોવણી બહાર આવી છે. આ દેશોની યાદીમાં ૧૯મો ક્રમ ધરાવતા ભારતના ૭૭૪થી વધુ ભારતીયોના નામ છે. ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેશન જર્નાલિસ્ટે જાહેર કરેલા ૧.૩૪ કરોડ દસ્તાવેજોથી સાબિત થયું છે ભ્રષ્ટાચાર અને ટેકસ ચોરીમાંથી દુનિયાનો કોઇ દેશ બાકાત નથી.
એક માહિતી મુજબ વિશ્વના માલેતુજારો વર્ષે ટેકસ બચાવવા ૮ ટ્રીલિયન ડોલર એટલે કે ૮૦૦ બિલિયન રૂપિયા જેટલી રકમ વિદેશમાં છુપાવે છે. જેમાં વિશ્વના વગદારો, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને કંપનીઓના નાણા હોય છે. ટેકસ બચાવવા પનામા, બહેરિન, સ્વિત્ઝર્લેન્ડ, સિંગાપોર, અમેરિકા અને લકઝમબર્ગ જેવા ટેકસ હેવન દેશોમાં રોકાણ વધતું જાય છે. આ દેશોમાં મૂડીરોકાણને આકર્ષવા માટે કાયદા ઢીલા કરી નાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત કોર્પોરેટ ટેકસમાંથી બચવાની છટકબારીઓ પણ અનેક છે. આથી નકલી કંપનીઓ બનાવીને મૂડીરોકાણ કરી બ્લેકના વ્હાઇટ કરવાનો ધંધો ફૂલ્યોફાલ્યો છે. પેરડાઇઝ પેપર્સ આ ગોરખધંધાની જ વધુ એક કડી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પેરેડાઇઝ પેપર્સમાં ૪૭ દેશના ૧૨૦ રાજકારણીઓ સામેલ છે.ભારતમાં જયારે પણ કાળા નાણાંની વાત નીકળે છે ત્યારે સ્વિસ બેંકોનો અચૂક ઉલ્લેખ થાય છે. આ બેંકોની નામ અને નાણા ખાનગી રાખવાની નીતિના લીધે કૌભાંડીઓને લીલા લહેર થઇ જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter